BREAKING NEWS

ગરીબોને ઉપર આભ અને નીચે ધરતી...રાજકોટમાં કુબલીયાપરા પાસે ભીષણ આગ ભભૂકી: 15 ઝુંપડા બળીને ખાખ

  • January 27, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન પાછળ આવેલી કુબલીયાપરા ઝુંપડપટ્ટીમાં ૨૬ જાન્યુઆરીના વહેલી સવારે આગ લાગી હતી. પવનના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી શહેરના અલગ અલગ ફાયર સ્ટેશનથી મળી કુલ પાંચ ફાયર ફાઇટરો અહીં દોડાવાયા હતાં. આગમાં અહીં રહેતા પરિવારો પૈકી ૧૫ પરિવારની ઝૂંપડી બળીને ખાખ થઇ હતી. આગ કયાં કારણોસર લાગી હતી જે જાણી શકાયું નથી.


દોઢ કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો

ફાયરના સ્ટાફે પાણીનો મારો ચલાવી અંદાજિત દોઢ કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં ઝુંપડામાં રહેલી ઘરવખરી સળગીને ખાખ થઇ ગઇ હતી. સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી ન હતી. આગની ઘટનાને લઇ ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ પણ અહીં દોડી આવ્યા હતાં અને આગની આ ઘટનામાં આશરો ગુમાવનારને આર્થિક મદદની ખાતરી આપી હતી.


પાંચ ફાયર ટેન્કર દ્વારા  આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો

તા. 26 જાન્યુઆરીના સવારના 08:11 વાગ્યે રમેશભાઈ રામજીભાઈ કડસાગરીયા નામના વ્યક્તિએ, ભાણજીબાપા પુલથી કુઈવાળા ચોકની વચ્ચે અને નવા થોરાળા મેઇન રોડ પર આવેલ કુબલીયાપરા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાની જાણ નાનામવા ચોક ફાયર કંટ્રોલમાં જાણ કરતા બેડીપરા ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડર સાથે સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અહીં પહોંચી જોતા આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હોવાથી સ્ટાફ દ્વારા ફાયર કંટ્રોલ અને ઉપરી અધિકારીઓને જાણ કરતા કોઠારીયા ફાયર સ્ટેશન અને મુખ્ય ફાયર સ્ટેશનથી વધુ ફાયર ટેન્ડરો સાથે સ્ટાફ ઘટના સ્થળે રવાના કરેલ હતા, પાંચ ફાયર ટેન્કર દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી અને તમામ ઝૂંપડપટ્ટી મકાનના પતરાં દૂર કરી આગ સવારના 9:30 વાગ્યે સંપૂર્ણ આગ બુજાવી નાખેલ હતી.


શોર્ટ સર્કીટના લીધે આગ લાગી હોવાની શંકા

આગમાં ઘરવખરી સામગ્રી જેવી કે ગાદલા - ગોદડા, રસોઈ સામગ્રી, કપડા તેમજ ડોક્યુમેન્ટ જેવી વગેરે ઘરવખરી સામગ્રી સંપૂર્ણ આગથી સળગી જવા પામેલ હતી. સભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થયેલ નથી, આગમાં કુલ 15 ઝૂંપડપટ્ટી મકાન સંપૂર્ણ સળગી જવા પામેલ હતા તેમજ આજુબાજુની ઝુપડપટ્ટી મકાનો બચાવી લીધેલ હતા, ઘટના સ્થળે થોરાડા પોલીસ સ્ટાફ પણ પહોંચી ગયો હતો. આગ કયાં કારણોસર લાગી હતી તે ચોક્કસપણે જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કીટના લીધે આગ લાગી હોવાની શંકા સેવાઇ રહી છે. પવનના લીધે પળવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.​​​​​​​


આગમાં આ ૧૫ પરિવારનો આશરો છીનવાયો

આગના આ બનવામાં ૧૫ ઝૂંપડીઓ સળીગને ખાખ થઇ ગઇ હતી. જેમની ઝુંપડી સળગી ગઇ છે તેમાં ગડીબેન અમરભાઈ સારોલીયા, કરીબેન જયંતીભાઈ શિહોરીયા, સાગરભાઈ કડવાભાઈ વાહનેકિયા,સુનિલભાઈ દિનેશભાઈ વાઘરોલિયા, રવિભાઈ રાજુભાઈ ઉઘરેજીયા, જગદીશભાઈ ગોવિંદભાઈ બાલાસરીયા, અશોકભાઈ શીશાભાઈ વાઘરોલીયા, હરેશભાઈ ટીલીભાઈ વાહનેક્રિયા, સુનિલભાઈ ગોવિંદભાઈ ગુલાબ,લાલજીભાઈ ભીખાભાઈ વાદરોલીયા, રાજભાઈ જેન્તીભાઈ ઉઘરેજીયા,મગીબેન કડવાભાઈ વાહનેકિયા,ભાવનાબેન નરેશભાઈ બરાડીયા,આનંદભાઈ રમેશભાઈ સારોલીયા અને વીર બંસીભાઈ સારોલીયાનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application