ગુજરાતને લાંછન લગાડતી ઘટના મહેસાણા જિલ્લાના વિસનગરમાં બની છે. જેને કારણે રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે. વિસનગરમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી છ શખ્સોએ વારાફરતી અલગ અલગ જગ્યાએ લઈ જઈ ગેંગરેપ કરતા હડકંપ મચી ગયો છે. પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરતા છ નરાધમો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ
છેલ્લા બે દિવસથી દીકરી ગુમ થતાં પરિવારજનો તેની સતત શોધખોળ કરી રહ્યાં હતાં. સગીરા સોમવારના રોજ ઘરે પરત ફર્યા બાદ પરિવારજનો અને પોલીસે તેની પૂછપરછ કરી હતી. ગઈકાલે મોડીરાત્રે તેણે સમગ્ર હકિકત જણાવતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
આ રીતે ગેંગરેપની ઘટના બની
સગીરાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ જઘન્ય કૃત્યની શરૂઆત ગત ચાર ઓક્ટોબર શનિવારની રાત્રે થઈ હતી અને આ ઘટનાક્રમ સોમવાર સુધી ચાલ્યો હતો. ચાર ઓક્ટોબરની રાત્રે લગભગ સાડા નવ વાગ્યે સગીરા ચાલવા નીકળી હતી ત્યારે વિજય ઠાકોર અને પવન ઠાકોર નામના બે શખસ તેને સેવાલિયા રોડ પરની સૂમસામ જગ્યાએ લઈ ગયા અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન રાજ ઠાકોર અને અન્ય એક શખસ પણ ત્યાં આવ્યા હતા અને તેણે પણ કુકર્મ કર્યું હતું.
પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં વિજય અશોકજી ઠાકોર, પવનજી દીવાનજી ઠાકોર, રાજ ઠાકોર, સોહમજી સુરેશજી ઠાકોર, મકવાણા દેવાંગ અને પ્રકાશ મોદીનો સમાવેશ થાય છે. સગીરાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ છ આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલ કર્યો હતો.
સોમવાર સુધી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું
ત્યારબાદ સગીરા ટાવર પાસેથી ઘરે જવા નીકળી ત્યારે સોહમ ઠાકોર તેને એક્ટિવા પર બેસાડીને પવન ઠાકોરની ઓફિસે લઈ ગયો હતો. ત્યાં પવન ઠાકોર અને રાજ ઠાકોરે ફરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સોહમ ઠાકોર સગીરાને મોડીરાત્રે ઉતારીને જતો રહ્યો હતો. બાદમાં સગીરા આદર્શ સ્કૂલ તરફ ચાલીને જતી હતી ત્યારે પ્રકાશ મોદી અને અન્ય એક શખસ તેને ઘરે મૂકવાના બહાને લઈ ગયા હતા. રસ્તામાં એક શખસ ઊતરી ગયા બાદ પ્રકાશ મોદી તેને પોતાના ઘરે લઈ ગયો અને સોમવાર સુધી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.
ગેંગરેપના તમામ આરોપીઓને ઝડપવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે વિસનગરમાં આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ ઉગ્ર બની છે.