કોવીડ-૧૯ની મહામારીને આપણે કયારેય ભુલી નહીં શકીએ, પરંતુ ભુતકાળમાં પણ એવી-એવી બિમારીઓ આવી છે, જેના મુળ સુધી વિજ્ઞાન પહોંચી નથી શકયું, આવી જ એક બિમારીનું નામ છે જીબીએસ, અને આ ઇન્ફેકશન એટલું ખતરનાક છે જે ઘણી વખત માણસનો જીવ લઇ લે છે, આવો જ કરૂણ કિસ્સો જામનગરમાં બન્યો છે જેમાં ૧૫ વર્ષના ક્ષત્રિય કિશોરનું મૃત્યુ નિપજયું છે. તબીબો પણ બનાવને લઇને આઘાતમાં છે, લાખોમાં એક એવો આ કિસ્સો બન્યો છે અને ફરી ૧૯૧૪ બાદ ૧૧૨ વર્ષે આ ઇન્ફેકશન ચર્ચામાં આવ્યું છે.
જામનગરના જાણીતા ક્ષત્રીય આગેવાન પી.એસ.જાડેજાના દોહીત્ર અને મોરબી રહેતા આદિત્યરાજસિંહ પરમારને એક સપ્તાહ પહેલા વાયરલ ફીવર થયું હતું, માત્ર ૬ કલાક બાદ જ ૧૫ વર્ષના આદિત્યનું આખુ શરીર લકવાગ્રસ્ત થઇ ગયું હતું, લકવો એટલો સીવીયર હતો કે આદિત્ય પોતાની આંખોની પાપણ પણ હલાવી શકતો ન હતો, તાબડતોબ જી.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો અને તબીબો દ્વારા સઘન સારવાર પુરી પાડવામાં આવી હતી.
એક સપ્તાહ બાદ આદિત્યરાજસિંહ પરમારે અંતિમ શ્ર્વાસ લઇ લેતાં ક્ષત્રિય પરીવાર પર આભ ફાટી પડયું હતું, હજુ થોડા સમય પહેલા જ આદિત્યના પિતાનું નિધન થયું હતું અને હવે પરીવારનો એક માત્ર લાડકવાયો પણ રેર દેખાતી બિમારીમાં ફાની દુનિયા છોડી ગયો છે જેને કારણે પરીવાર આઘાતમગ્ન છે, આટલું જ નહીં ખુદ તબીબો પણ અફસોસ કરી રહ્યા છે.
જી.જી.હોસ્પિટલના નોડલ ઓફીસર અને નિષ્ણાંત તબીબ ડો.એસ.એસ.ચેટરજી સાથે વાતચીત કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે, આદિત્યરાજને કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન થયા બાદ ઘાતક ગણાતો જીબીએસ પ્રકારનો વાયરસ લાગ્યો હતો અને તેના કારણે જ તેનું આખુ શરીર લકવાગ્રસ્ત બની ગયું હતું.
આ જીબીએસ શું છે ? તે અંગે પ્રશ્ર્ન કરવામાં આવતા તબીબે જણાવ્યું હતું કે, આમ તો મહીનામાં આ ઇન્ફેકશનના ત્રણ-ચાર કેસ આવતા હોય છે જેમાં ભોગ બનનાર દર્દીના શરીરના એકાદ અંગ પર કે બે અંગ પર લકવાની અસર થતી હોય છે, પરંતુ સપ્તાહ બાદ રીકવરી શરૂ થઇ જતી હોય છે અને દર્દી સાજા પણ થઇ જતાં હોય છે.
આદિત્યરાજના કિસ્સામાં જાણીતા તબીબે અફસોસ સાથે કહ્યું હતું કે, આ વાયરલ લાગુ થયા બાદ માત્ર છ કલાકમાં જ આદિત્યનું આખુ શરીર એવું લકવાગ્રસ્ત થયું હતું કે, તે પોતાની આંખોની પાપણ પણ ઝબકાવી શકતો ન હતો, વેન્ટીલેટર પર રાખીને તબીબો પ્રયત્ન કરી રહ્યા હતાં, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
એમણે એમ પણ કહ્યું હતું કે, જીબીએસના કારણે આદિત્યરાજસિંહના મૃત્યુનો કિસ્સો એ રેર એટલા માટે છે કે લાખો કેસમાં આ એકાદ કિસ્સો બને છે જેમાં બિમારીની ઝપેટમાં આવેલ દર્દી રિકવરી કરી શકતો જ નથી.
આ જીબીએસ શું છે ? અને તેનો ઇલાજ શું છે ? કયાં કારણે થાય છે ? સિમટમ્સ શું છે ? તે અંગે હજુ સુધી સંશોધન નહીં થયાનું પણ એમણે જણાવ્યું હતું અને તબીબોના અથાગ પ્રયત્નો બાદ પણ બાળકને બચાવી શકયો ન હોવાથી એમના સ્વરમાં પણ ઉંડો આઘાત સમજી શકાતો હતો.
હાલની તકે એવું કહી શકાય કે, ૧૫ વર્ષના કિશોરનું જીબીએસ પ્રકારના રેર દેખાતા વાયરસના કારણે મૃત્યુ થયું છે, પરંતુ એવું પણ નથી કે, આવા દર્દીઓ સાજા થતા નથી એટલે કોઇ ખૌફ રાખવાની જરીયાત નથી, પેનીક ફેલાવાની જરૂરીયાત નથી, જી.જી.હોસ્પિટલમાં આવા મહીને ૩-૪ કેસ આવતા હોય છે, મોટાભાગના સાજા થઇ જાય છે, કમનસીબે આદિત્યસિંહ જેવો કિસ્સો બને છે.
જી.જી.હોસ્પિટલમાં જીબીએસ માટે તમામ પ્રકારની સારવાર, સાધનો ઉપલબ્ધ છે, એવું નથી કે, દર્દી સાજો ન થઇ શકે, પરંતુ ખુબ જ રેર એટલે કે કમનસીબે આ પ્રકારના બનાવ બને છે એવું પણ જાણીતા તબીબે ઉમેર્યુ હતું.
દુનિયાના કોઇપણ સ્થળે લઇ જાવ જીબીએસનો ભોગ બનેલા દર્દીને એક જ પ્રકારની સારવાર મળે છે, કાં તો તેના લોહીને સાફ કરવામાં આવે અને કાં ઇન્જેકશનો મારફત સારવાર આપવામાં આવે.
મુખ્ય વાત એ છે કે, જે દર્દી આનો ભોગ બને તેને વેન્ટીલેટર ઉપર લઇ લીધા બાદ તબીબો સતત એવું મોનીટરીંગ કરતા હોય છે કે, રિકવરી ચાલું થાય, સામાન્ય રીતે સાત-આઠ દિવસ પછી રિકવરી શરૂ થતી હોય છે અને તબીબો આગળ વધતાં હોય છે. ખુદ નિષ્ણાંત તબીબે જયારે એમ કહ્યું કે, આ માત્રને માત્ર નસીબની જ વાત છે ત્યારે વિજ્ઞાન હજુ કુદરતની સામે કોઇ હેસીયત ધરાવતું નથી એ બાબત પણ સાબીત થાય છે.
હાલમાં પણ જી.જી.હોસ્પિટલમાં ૧૯ વર્ષનો એક યુવાન આવા જ પ્રકારના રોગનો શિકાર છે, સારવાર હેઠળ છે, પરંતુ નસીબજોગ તેની રીકવરી સારી હોવાથી ધીમે-ધીમે સાજો થઇ રહ્યો છે, મતલબ કે સાજા થઇ શકાય છે.
પ્રથમ વર્લ્ડ વોર બાદ આ જીબીએસ દુનિયામાં દેખાયો
૧૯૧૪માં પ્રથમ વિશ્ર્વ યુઘ્ધ વખતે ફ્રાન્સ અને જર્મનીના સૈનિકોમાં જીબીએસ (ગુલીયન-બેર સિન્ડ્રોમ) નામનો આ રોગ ફેલાયો હતો, દુનિયામાં તેનો વ્યાપ વઘ્યો હતો, ૩ સાયન્ટીસ્ટોએ તેની શોધ કરી હતી જેમાં પહેલાનું નામ ગુલીયન, બીજાનું બેર અને ત્રીજાનું સી ઉપરથી નામ હોવાથી ગુલીયન બેર સિન્ડ્રોમ કહેવાયો જેને શોર્ટ ફોર્મમાં જીબીએસ કહેવામાં આવે છે.
કોઇપણ પ્રકારના ઇન્ફેકશન બાદ મતલબ કે તાવ આવે કે પછી ઇન્ફેકશનની ઝાડા થાય એ દર્દીઓમાં જીબીએસનો ખતરો રહે છે, જેને પણ આ વાયરલ ઝપેટમાં લે છે તેના જ્ઞાનતંતુઓ કામ કરતા બંધ થઇ જાય છે, રકતવાહીકાઓ પર અસર થાય છે, હદય મગજને મેસેજ આપતો બંધ થઇ જાય છે અને તેના કારણે શરીરના અંગો પેરેલાઈઝડ થાય છે.