રાજ્ય સરકાર વહીવટી કામગીરીને વધુ ઝડપી, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે અત્યાધુનિક કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર તૈયાર કરી રહી છે. અંદાજે ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલું આ સેન્ટર હવે પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં મુખ્યમંત્રીના હસ્તે તેનું ઉદ્ઘાટન થવાની શક્યતા છે.
આ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર માત્ર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ રાજ્ય સરકારના તમામ વિભાગોનો ડિજિટલ ડેટા એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. વિવિધ વિભાગોની માહિતીનું કેન્દ્રીય ડિજિટલ સ્ટોરેજ અહીં કરવામાં આવશે, જેથી સરકારના ટોચના અધિકારીઓ અને મુખ્યમંત્રી જરૂરિયાત મુજબ કોઈપણ વિભાગની માહિતી એક જ ક્લિકમાં મેળવી શકશે.
સેન્ટરને મુખ્યમંત્રીના ડેશબોર્ડ સાથે પણ જોડવામાં આવશે, જેના કારણે મુખ્યમંત્રી રાજ્યના વિવિધ વિભાગોની કામગીરી અને મહત્વના ડેટા પર રિયલ-ટાઇમ નજર રાખી શકશે.
નવી સુવિધામાં વિશાળ LED વીડિયો વોલ, આધુનિક કમાન્ડ રૂમ, એકસાથે 30થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ બેસીને કામગીરી કરી શકે તેવી વ્યવસ્થા તેમજ ઉચ્ચસ્તરીય બેઠકો માટે વિશેષ કોન્ફરન્સ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. VIP બેઠક વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ આ સેન્ટરમાંથી નિયમિત રીતે ડેટા અપડેટ કરશે, જેના કારણે રાજ્ય સરકાર પાસે તમામ વિભાગોની તાજી અને સંકલિત ડિજિટલ માહિતી હંમેશા ઉપલબ્ધ રહેશે. રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ઉપરાંત સમગ્ર સરકારી તંત્રના ડિજિટલ કમાન્ડ અને મોનિટરિંગ માટે આ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.