BREAKING NEWS

બાળલગ્ન કાયદાનું સરેઆમ ઉલ્લંઘન...ગુજરાતમાં ૧૩ થી ૧૬ વર્ષની ૧૬૩૩ દીકરીઓ સગર્ભા બની

  • December 29, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં “બેટી બચાવો” અને “વિકાસ”ના નારા આપતી ભાજપ સરકારની વાસ્તવિકતા ચોંકાવનારી રીતે સામે આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૫ દરમિયાન કરાયેલા સર્વે અને ૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રજુ થયેલ સત્તાવાર ડેટા મુજબ રાજ્યમાં ૧૩ થી ૧૬ વર્ષની કુલ ૧૬૩૩ દીકરીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે. ત્યારે, ગુજરાતમાં બાળલગ્નની ગંભીર સ્થિતિ અંગે નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-૫ ના આંકડાઓ ભાજપ સરકારની સદંતર નિષ્ફળતા દર્શાવે છે કે ગુજરાતમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારા, ૨૦૦૬ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. સરકારની આંખ સામે કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, છતાં કોઈ અસરકારક કાર્યવાહી દેખાતી નથી.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના સત્તાવાર આંકડાઓ અનુસાર ગુજરાતમાં બાળલગ્નનો દર ૨૧.૮% છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૨૩.૩% કરતા થોડો ઓછો હોવા છતાં, હકીકતમાં આ આંકડો ભાજપ સરકાર માટે શરમજનક છે. કારણ કે સર્વે સ્પષ્ટ રીતે બતાવે છે કે રાજ્યમાં જિલ્લાવાર ભારે અસમાનતા છે અને કેટલાક જિલ્લાઓમાં બાળલગ્નનું પ્રમાણ અત્યંત ઊંચું છે.


ખેડા જિલ્લામાં બાળલગ્નનું પ્રમાણ ૪૯.૨% નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર અને ડાંગ જેવા જિલ્લાઓમાં બાળલગ્નનો દર ૩૦%થી વધુ છે. આ ઉપરાંત, ૭ અન્ય જિલ્લાઓમાં ૨૩%થી ૨૯.૯% વચ્ચે બાળલગ્નનું પ્રમાણ નોંધાયું છે.


આ માત્ર આંકડા નથી, પરંતુ સરકારની નિષ્ફળ નીતિઓના શિકાર બનેલી દીકરીઓનું દુઃખ છે. નાની ઉમરમાં માતા બનવાથી દિકરીઓ અને સંતાન બન્નેના જીવન જોખમમાં મુકાઈ રહ્યાં છે એકતરફ ૬૫ ટકા મહિલાઓ કુપોષિત અને ૪૫ ટકા બાળકો કુપોષણનો ભોગ બની રહ્યાં છે તેમ છતાં ભાજપ સરકાર સતત આંખ આડા કાન કરી રહી છે.


આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ભાજપ સરકારના “બેટી બચાવો, બેટી પઢાવો” જેવા નારા જમીન પર નિષ્ફળ સાબિત થયા છે. બાળલગ્ન પ્રતિબંધક કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે અને સરકારની નબળી અમલવારીના કારણે હજારો દીકરીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. બાળલગ્ન સામે લડવા માટે માત્ર જાહેરાતો નહીં, પરંતુ મજબૂત અમલ જરૂરી છે. આટલી મોટી સંખ્યામાં બાળ સગર્ભાવસ્થાઓ છતાં સરકાર કેમ નિષ્ક્રિય છે? બાળ લગ્ન રોકવા માટે જવાબદાર અધિકારીઓ સામે કેટલી કાર્યવાહી થઈ? આરોગ્ય, શિક્ષણ અને મહિલા-બાળ વિકાસ વિભાગ વચ્ચે સંકલન ક્યાં છે? દીકરીઓની સુરક્ષા માટેના બજેટ અને યોજનાઓ જમીન પર કેમ નથી દેખાતી? રાજ્યભરમાં તાત્કાલિક ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસ કરાવવામાં આવે. બાળ લગ્ન કરાવનાર અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી થાય. અસરગ્રસ્ત દીકરીઓ માટે આરોગ્ય, શિક્ષણ અને પુનર્વસન પેકેજ જાહેર થાય. દરેક જિલ્લામાં બાળ લગ્ન રોકથામ ટાસ્ક ફોર્સ સક્રિય રીતે કાર્યરત કરવામાં આવે. સરકાર જાહેરમાં જવાબદારી સ્વીકારે અને સમયબદ્ધ એક્શન પ્લાન રજૂ કરે અને ઉચ્ચ પ્રભાવવાળા ૧૫ જિલ્લાઓમાં ખાસ એક્શન પ્લાન જાહેર કરે.


ગુજરાતમાં ૧૩ થી ૧૬ વર્ષની ૧૬૩૩ દીકરીઓ સગર્ભા, નાની ઉંમરે માતા આરોગ્ય વિભાગના સત્તાવાર સર્વેમાં બહાર આવેલી હકીકત...

વલસાડ- ૧૯૦

ભરૂચ- ૬૦

દાહોદ- ૧૩૩

રાજકોટ- ૫૧

જામનગર- ૯૦

પંચમહાલ- ૫૦

મહેસાણા- ૭૮

અરવલ્લી- ૪૫

સાબરકાંઠા- ૭૬

વડોદરા- ૪૧

આણંદ- ૭૦

અમરેલી- ૪૧

ડાંગ- ૭૦

ગાંધીનગર- ૪૧

ખેડા- ૬૭

ભાવનગર- ૪૧

અમદાવાદ શહેર- ૬૩

અમદાવાદ જિલ્લો- ૪૦



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application