BREAKING NEWS

પેંડાગેંગના ૧૭ સામે ગુજસીટોક, ગેરકાયદેસર મિલકતો લેવાશે ટાંચમાં, 29 મારામારી, 7 હત્યા -ખૂનની કોશિશ, લૂંટ, 7 છેડતી-દુષ્કર્મ,સહિત 71 ગુના

  • November 10, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં 29 ઓક્ટોબર મંગળવારની રાત્રે ત્રણ વાગ્યે હોસ્પિટલોનું હબ ગણાતા વિદ્યાનગર પાસે મંગળારોડ પર બે કુખ્યાત ગેંગ વચ્ચે સરા જાહેર સામસામા ધાણીફૂટ ફાયરિંગ કરી પોલીસને પડકાર ફેંકતા આવારા ગુંડાઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થવી જોઈએ તેવા આજકાલમાં લખાયેલા અહેવાલ બાદ પોલીસ કમિશનરે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાના કરેલા આદેશ બાદ રાજકોટ પોલીસે 10 વર્ષમાં 71 ગુના આચારનાર પેંડા ગેંગ ના 17 આરોપી સામે "ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ"

(ગુજસીટોક)એકટની કલમ હેઠળ રાજકોટની પાંચમી ગેંગ સામે ગુનો નોંધતા ગુનેગારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં જંગલેશ્વરની કુખ્યાત મુરઘા અને પેંડા ગેંગ વચ્ચે ચાલતી અદાવતમાં મંગળારોડ પર સામ સામે ફાયરિંગના બનાવ ના ઘેરા પડઘા છેક ગાંધીનનગર સુધી સંભળાયા હતા શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી હોય અને અસામાજિક તત્વો પ્રજામાં ખોફ ફેલાવતા તત્વો સામે ગુજસીટોકની કાર્યવાહી કરવા આજકાલ સાંધ્ય દૈનિકે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.


જેના પગલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા બંને કુખ્યાત ગેંગનો ગુનાહિત ઇતિહાસ એકત્ર કરી તેની સામે ગુજસીટોક હેઠળ ગુના દાખલ કરવા આદેશ કરતા યુવા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા એ આ કેસની ધુરા સંભાળી બન્ને ગેંગ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં સરકાર તરફે પોલીસ ફરિયાદી બની ગુના દાખલ કર્યા હતા.


વધુમાં પેંડા અને મૂરધા ગેંગના એક પછી એક 18 જેટલા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ તેમજ એસોજી બ્રાન્ચ ની ટીમે ઝડપી આરોપીઓને કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે રી કન્ટ્રક્શન કરાવી રિમાન્ડ મેળવ્યા હતા તેમજ આ ગુનામાં સંડોવાયેલ પેંડા ગેંગના મુખ્ય સૂત્રધાર રાજપાલ ઉર્ફે રાજા સુધીરસિંહ જાડેજા અને તેના સાગ્રિતો નો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા છેલ્લા દસ વર્ષમાં હત્યા લૂંટ ફાયરિંગ ગેંગરેપ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય હત્યાની કોશિશ, ધમકી મારામારી સહિતના 71 જેટલા ગુના આ સંગઠિત ટોળકી એ આચરેલ હોય ગેંગના 17 સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


વધુમાં ઝડપાયેલા આરોપી ઉપરાંત હાલ જેલમાં રહેલા રણજીત ઉર્ફે કાનો ટિકિટ અરવિંદ ગોહેલ અને તાજેતરમાં હથિયાર સાથે પકડેલા હિતેન્દ્રસિંહ રૂપે હકો કડી જાડેજા જેલમાં હોય તેનો આ ગુનામાં ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી કબજો મેળવી કાર્યવાહી કરવામાં આવશે આ ગેંગ સામેની તપાસ પ્રથમ વખત એસીપી ક્રાઈમને સોંપવામાં આવી છે.


ગુજસીટોકમાં એકજ અધિકારીએ પાંચમી તપાસ કરી હોય તેવી પ્રથમ ઘટના

રાજકોટ શહેર પોલીસે સંગઠિત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકમાં પાંચમી ગેંગ સામે ગુના દાખલ કર્યા છે જેમાં એક જ અધિકારીએ ગુજસીટોકમાં પાંચ તપાસ કરી હોય તેવી પ્રથમ ઘટના છે આ બંને ગેંગ દ્વારા એકત્ર કરેલી ગેરકાયદેસર મિલકતો પણ ટાંચમાં લેવામાં આવશે એટલું જ નહીં સરકારી જમીન પર ગેરકાયદેસર ઉભી કરેલી મિલકતો પર બુલડોઝર ફેરવી ડીમોલેશન પણ હાથ ધરાશે તેવું આજકાલ સાથે વાતચિતમાં એસીપી ક્રાઈમ બીબી બસીયાએ જણાવ્યું હતું.


પેંડા ગેંગના આ 17 આરોપી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

રાજપાલ ઉર્ફે રાજુ જાડેજા, હર્ષદીપ ઝાલા, પરીક્ષિત ઉર્ફે પરીઓ બળદા, જીગ્નેશ ઉર્ફે ભયલો ગઢવી, પરિમલ ઉર્ફે પરીઓ સોલંકી, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, દિનેશ ઉર્ફે કાંચો ટમટા, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, કમલેશ મેતા, દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ, રણજીત ઉર્ફે કાનો ટિકિટ ગોહેલ, જીગ્નેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા, હિતેન્દ્ર ઉર્ફે હકો કડી જાડેજા, સંજય રાજ ઉર્ફે ચિન્ટુ ઝાલા,સામે કાર્યવાહી થશે.


મુરઘાગેંગ ઝડપાયા બાદ તેની સામે પણ કાર્યવાહી :ડીસીપી બાંગરવા

ફાયરિંગ પ્રકરણ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા મુરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સંજલા સહિતના આરોપીઓને પકડવા ટીમો સતત કાર્યશીલ છે આ ગેંગના તમામ આરોપી ઝડપાઈ ગયા બાદ તેની ક્રાઈમકુંડળીની ચકાસણી કરી તેની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.



29 મારામારી 7 હત્યા -ખૂનની કોશિશ, લુટ, 7 છેડતી-દુષ્કર્મ, સહિત 71 ગુના

પેંડા ગેંગના રાજપાલસિંહ જાડેજા અને તેના મળતિયાઓએ છેલ્લા 10 વર્ષમાં રાજકોટ શહેર, જિલ્લા, મહેસાણા અને જામનગરમાં ગુના આચર્યા છે. જેમાં મહત્તમ ગુના ગંભીર છે. આ ગેંગના શખ્સો સામે ખૂન અને ખૂનની કોશિશના 7, મારામારી અને રાયોટિંગના 29, છેડતી—દુષ્કર્મના 7, હથિયારના 5 તેમજ લૂંટ અપહરણ સહિતના અન્ય ગુના નોંધાયેલા છે.



રાજકોટમાં અગાઉ ચાર ગેંગ સામે ગુજ્સીટોકની કાર્યવાહી થઈ હતી

રાજકોટના દૂધસાગરરોડ પર અસંખ્ય ગુના આચરનાર ઈમ્તિયાઝ ઉર્ફે લાલા ગેંગ સામે થોરાળામાં તેમજ ભિસ્તીવાડ હુડકોના કુખ્યાત ઇમરાનમેણું અને ખિયાણીગેંગ સામે પ્રનગરમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચમાં તેમજ રમેશ રાણા ગેંગ સામે તાલુકા પોલીસ મથકમાં ગુજસીટોકના ગુના નોંધી આરોપીઓને જેલમાં ધકેલી દીધા હતા જેમાંના મોટાભાગના આરોપીઓ હાલ પણ જેલની હવા ખાઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application