ગયા વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી 14 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી હતી આ વખતે 20.10 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. ગયા વર્ષની સરખામણીએ 6 લાખ ટન જેટલી વધુ મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવનાર છે.
મગફળી ખરીદીની પ્રક્રિયા સાથે જોડાયેલા નાફેડના વર્તુળોના જણાવ્યા મુજબ એક થી ૨૨ સપ્ટેમ્બર 2025 દરમિયાન કુલ 9.31 લાખ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગયા વર્ષે આવી રીતે રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોની સંખ્યા 3.74 લાખ હતી. તેની સરખામણીએ આ વર્ષે છ લાખ ખેડૂતો વધી ગયા છે.
રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 18,05,612 મેટ્રિક ટન મગફળી મગ અડદ અને સોયાબીન જેવી ચીજ વસ્તુઓની ખરીદી કરી છે અને તેનું મૂલ્ય 12,000 કરોડ આસપાસ થવા જાય છે. આમાંથી 6,33,149 ખેડૂતોને 9907 કરોડના ચુકવણા થઈ ગયા છે અને બાકીના ખેડૂતોને પેમેન્ટ ઝડપથી થાય તે માટે પ્રક્રિયા ચાલુ છે.
ટેકાના ભાવે મગફળી સહિતની ચીજ વસ્તુઓની ખરીદીની પ્રક્રિયા તારીખ 9 નવેમ્બર 2025 થી શરૂ થઈ છે અને હજુ આગામી તારીખ 2 ફેબ્રુઆરી 2026 સુધી તે ચાલશે. ચાલુ ખરીફ સીઝનમાં આ પાકોની ખરીદીનું કુલ મૂલ્ય અંદાજે રૂપિયા 15000 કરોડ આસપાસ થવાનો શક્યતા છે.
નોંધણી કરેલા ખેડૂતોની જ ખરીદી માટે પ્રથમ વખત આધાર એન્બલ્ડ બાયોમેટ્રિક ફેસ ઓથેન્ટિફિકેશન નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેડૂતો માટે નોમીનીની સુવિધા રાખવામાં આવી છે જેથી જો કોઈ કિસ્સામાં ખેડૂત પોતે વેચાણ માટે ન આવી શકે તો તેમના વતી તેમના નોમિનીને આ છૂટ આપવામાં આવી છે.