જામનગર: હોર્મુઝની ખાડીમાં તંગદીલી, સલાયા સહીત ૨૦૦ વહાણ અન્ય બંદરોએ અટવાયા !
જોખમ: ગણતરીના દીવસોમાં મીસાઇલ-ડ્રોન હુમલાની બે ઘટનાથી સલાયાના વાહણોએ હોર્મુઝની ખાડી પાર કરવાનું બંધ કર્યું, ખલાસીઓના પરિવારજનો ચિંતાતુર
કેન્દ્ર સરકારને ૧૦ થી ૧૫ કરોડ વિદેશી હુંડીયામણનું નુકશાન: વહાણવટીઓને ભારે આર્થિક ફટકો: હોર્મુઝની ખાડીમાં સ્થિતિ સામાન્ય કયારે થશે તે સળગતો સવાલ
ઇરાનના દરિયામાં હોર્મુઝની ખાડીમાં તંગદીલીના કારણે સલાયાના ૧૫૦ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ૨૦૦ જેટલા વાહણ મીડલ ઇસ્ટના અન્ય બંદરો પર અટવાયા હોવાનું ઇન્ડીયન સેલીંગ વેસલ્સ એસોસીએશનના સેક્રેટરીએ જણાવ્યું છે. ગણતરીના દીવસોમાં મીસાઇલ અથવા તો ડ્રોન હુમલાની બે ઘટનાથી સલાયા સહીતના વાહણોએ હોર્મુઝની ખાડી પાર કરવાનું બંધ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ બનાવના પગલે ખલાસીઓના પરિવાજનો ચિંતાતુર બન્યા છે. બીજી બાજુ વહાણવટીઓને ભારે આર્થિક ફટકો પડયો છે. કેન્દ્ર સરકારને પણ ૧૦ થી ૧૫ કરોડ વિદેશી હુંડીયામણનું નુકશાન થઇ રહ્યું છે. ત્યારે હોર્મુઝની ખાડીમાં સ્થિતિ સામાન્ય કયારે થશે તે સળગતો સવાલ ઉઠ્યો છે.
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુઘ્ધની માઠી અસરની કળ સૌરાષ્ટ્ર-કચ્છના ઉધોગો હજુ વળી નથી. ખાસ કરીને દરિયાઇ માર્ગે થતી આયાત-નિકાસ માટે ખૂબજ મહત્વની હોર્મુઝની ખાડી બંધ થતાં ક્રુડ ઓઇલ, ગેસની સપ્લાય ખોરંભે ચડતા ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસની સ્થિતિ વણસી છે. બીજી બાજુ વાહણ ઉધોગને ભારે આર્થિક ફટકો પડયો છે. યુઘ્ધના પ્રારંભે હોર્મુઝની ખાડી બંધ કરાતા હાલારના સલાયા, સિકકા, સહીત પોરબંદર, માંડવી, વેરાવળ, મુંદ્વા બંદર પરથી ગલ્ફના દેશોમાં ગયેલા વાહણો અટવાયા હતાં.
પરંતુ તમામ વાહણો સલામત રહ્યા હતાં. યુઘ્ધ બંધ થાય તે માટે વાટાઘાટો થઇ છે પરંતુ હજુ કોઇ સ્પષ્ટ સમજૂતી ઇરાન કે અમેરિકા વચ્ચે થઇ નથી. ખાસ કરીને હોર્મુઝની ખાડીમાં અગાઉની જેમ વાહણોના આવાગમન અંગે પણ કોઇ ચોકકસ સહમતી થઇ નથી.
આથી હોર્મુઝની ખાડીમાં હજુ પણ તણાવ યથાવત રહ્યો છે. આ તંગદીલીની સ્થિતિ વચ્ચે તાજેતરમાં હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં સલાયાના બે માલવાહક વહાણ પર ડ્રોન અથવા મીસાઇલ હુમલો થતાં બંને વાહણો ડૂબી ગયા હતાં. આટલું જ નહીં સલાયાના એક ખલાસીનું મોત પણ નીપજયું હતું. આ બનાવ બાદ વહાણવટીઓ અને ખલાસીઓ ભારે ચિંતા સાથે મૂંઝવણમાં મૂકાયા છે.
આ અંગે ઇન્ડીયન સેલીંગ વેસલ્સ એસોસીએશનના સેક્રેટરી આદમભાઇ ભાયાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં હોર્મુઝની ખાડીમાં સ્થિતિ ખરાબ છે. જેના કારણે સલાયાના ૧૫૦ જેટલા સહીત સિકકા, માંડવી, પોરબંદર, વેરાવળ, મુંદ્વાના મળીને કુલ ૨૦૦ જેટલા વાહણ મીડલ ઇસ્ટના મસ્કત, ઓમાન, દુબઇ, યમન સહીતના બંદરો પર અટવાયા છે. આટલું જ નહીં ખૂબજ ટૂંકાગાળામાં સલાયાના બે માલવાહક વાહણ પર ડ્રોન-મીસાઇલ હુમલા થતાં અને ડૂબી જતાં સલાયા તથા સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વાહણો કે જે મીડલ ઇસ્ટના અન્ય બંદરો પર અટવાયા છે તે વાહણોએ હોર્મુઝની ખાડી પાર કરવાનું બંધ કર્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
હોર્મુઝની ખાડીમાં તણાવની સ્થિતિથી વાહણોનું આવાગમન અટકતા ભારત સરકારને ૧૦ થી ૧૫ કરોડનું વીદેશી હુંડીયામણનું નુકસાન થતું હોવાનું પણ તેઓએ કહ્યું હતું. બીજી બાજુ સલાયાના બે માલવાહક વાહણ પર હુમલાથી ખલાસીઓના પરિવાજનો ચિંતાતુર બન્યા છે, બીજી બાજુ વહાણવટીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે. અત્રે નોંધનીય છે કે, હાલાર સહીત સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પરથી વાહણ મારફત ખાંડ, ચોખા, મગફળી સહીતની ચીજ-વસ્તુઓની મોટા પ્રમાણમાં નિકાસ ગલ્ફના દેશોમાં થાય છે.
જુદા-જુદા બે બનાવમાં હુમલાના કારણે સલાયાના બે વાહણની જળસમાધિ, એક ખલાસીનું મોત:
હોર્મુઝની ખાડીમાં વાહણોના આવગમન અંગે ઇરાન-અમેરિકા વચ્ચે હજુ પણ કોઇ સ્પષ્ટ સમજૂતી ન થતાં તણાવની સ્થિતિ પ્રર્વતી રહી છે. આ દરમ્યાન તાજેતરમાં ખૂબજ ટૂૂૂંકાગાળામાં હોર્મુઝની ખાડી પાર કરતા સલાયાના બે વહાણ પર ડ્રોન અથવા મીસાઇલ હુમલો થતાં બંને વાહણ ડૂબી ગયા હતાં. આટલું જ નહીં એક ખલાસીનું મોત પણ નિપજયું હતું. આ બનાવના પગલે ખલાસીઓના પરિજનોના જીવ તાળવે ચોંટયા છે, ત્યારે હોર્મુઝની ખાડીમાં સ્થિતિ સામાન્ય કયારે થશે તેની રાહ જોઇ રહ્યા છે.