BREAKING NEWS

આટકોટ નજીક ટ્રક રોકી કતલખાને લઈ જવાતા ૨૧૧ પશુઓ બચાવાયા

  • January 02, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આટકોટ પાસેથી કતલખાને લઈ જવાતું ઘેટાં-બકરા ભરેલ કન્ટેનર જીવદયા ફાઉન્ડેશન અને પોલીસની ટીમે પકડી પાડયું હતુ. ૨૧૧ વધુ જીવને કતલ થતાં બચાવી રાજકોટ પાંજરાપોળમાં રખાયા હતાં. પશુઓને નવાગઢથી મુંબઈ કતલખાને લઈ જતાં ત્રણ શખસોની ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી રૂ.૩૦.૫૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.


જસદણમાં બળધોઇ સીમ શાળા પાસે રહેતાં રોનકભાઈ નાથાભાઈ વાઢેર (ઉ.વ.૨૩) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું કે, તેઓ ખેત મજુરી કરે છે અને છેલ્લા બે વર્ષથી જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટમા ગૌસેવાને લગતી સેવાકીય કામગીરી કરે છે.


ગઇકાલે સાંજના તેમને માહીતી મળેલ કે, ગોંડલ તરફથી એક ટ્રક કતલખાના માટેના ઘેટા-બકરા ભરી નિકળનાર છે અને તેને કતલખાને લઈ જઇ રહ્યા છે. આ ટ્રક નં. જીજે -01-કેટી-7221 આટકોટ પાસેના ગોંડલ ચોકડી પાસેથી પસાર થનાર હોય જેથી ગૌરક્ષકો કેતનભાઈ સંઘવી, મયુરસિંહ જાડેજા, બ્રીજેનભાઈ બાલધાને ફોનથી જાણ કરી તમામ ગૌરક્ષકો ગોંડલ ચોકડી પાસે રાતના હાજર હતા ત્યારે એક શંકાસ્પદ ટ્રક નિકળેલ જે ટ્રકને સાઇડમાં ઉભો રાખવાનુ કેહતા ઉભો રાખેલ નહીં અને પોતાની ટ્રક આટકોટ ગામ તરફ ભગાવી મુકેલ હતો.


જેથી ટ્રકનો પીછો કરી આટકોટ પોલીસ સ્ટેશન સામે રસ્તા ઉપર ઉભી રખાવેલ બાદ ટ્રકને ચેક કરતા ટ્રક કેબીનમાં ડ્રાઇવર સહિત ત્રણ શખસો બેસેલ હોય જેથી આટકોટ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવેલ અને ટ્રકના પાછળના ભાગે ચેક કરતા તેમા બે પાર્ટીશન કરી નાના-મોટા ઘેટા-બકરાઓ ઉપર તથા નિચે ખીચોખીચ ભરેલ હતાં. બાદમાં ટ્રકના ચાલકનું નામ પુછતા પોતે સાબીર હુશૈન કારવા (રહે.નવાગઢ સરકારી અનાજના ગોડાઉન પાસે, જેતપુર) અને સાથેના શખસે ઇલીયાસ ઓસમાણ કારવા (રહે. ચીતલ સરકારી દવાખાના પાછળ, બાબરા) તેમજ ત્રીજાએ ફારૂક કાસમ લાખાણી (રહે. નવાગઢ સરકારી ગેસ ગોડાઉન રોડ અનાજના ગોડાઉન પાસે) હોવાનું જણાવેલ હતું.


જે બાદ ટ્રકમાં જોતા ડબલ ડેકરના પાર્ટીશનમાં ખીચોખીચ નાના-મોટા ઘેટા-બકરાઓ ભરેલ અને ઘાસ ચારાની કે પાણીની કાઈ વ્યવસ્થા રાખેલ ન હોય જેથી ટ્રક ચાલક તથા સાથેના બન્ને શખ્સોને ઘેટા-બકરા સાથે ટ્રક ક્યાં લઈ જવાના હતા? તે બાબતે પુછતા તેઓ ઘેટા-બકરાઓના માલીક હોવાનું તેમજ ઘેટા બકરાઓ મુંબઇ દેવનાર મંડી ખાતે ઘેટા-બકાની લે-વેચની બજારમાં લઇ જવાની હકીકત જણાવેલ હતી.


જેથી નાના-મોટા બકરા જીવ નંગ-૧૩, નાના-મોટા ઘેટા જીવ નંગ-૧૯૮નો જીવ બચાવી કુલ રૂ.૩૦૫૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જે બચાવેલ ઘેટા-બકરાને રાજકોટ પાંજરાપોળ ખાતે રાખવામાં આવેલ છે. પોલીસે આરોપીઓ સામે પશુ પ્રત્યે ક્રુરતા અધિનિમય હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application