BREAKING NEWS

જામનગર જિલ્લામાં પોલીસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ: રર૬ કેસ નોંધાયા

  • November 16, 2026 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં પોલીસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ: રર૬ કેસ નોંધાયા

૯૯,૫૦૦નો દંડ વસૂલાયો, ૨૭ વાહનો ડિટેઇન: કડક કાર્યવાહીના પગલે દોડધામ

જામનગર જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને માર્ગ અકસ્માતો અટકાવવાના હેતુથી જિલ્લા પોલીસ દ્વારા તા. ૧૪ નવેમ્બરના રોજ વિશેષ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઝુંબેશ દરમિયાન નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ, ઓવર સ્પીડમાં વાહન હંકારનારાઓ, ટ્રાફિકને અડચણરૂપ વાહનો, કારમાં બ્લેક ફિલ્મ લગાવનારાઓ તેમજ નંબર પ્લેટ વગરનાં અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતાં વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ૧૬ કેસ, ડ્રીંક એન્ડ ડ્રાઇવના ૭ કેસ, બીએનએસ કલમ ૨૮૧ હેઠળ બેફિકરાઈથી વાહન ચલાવવા બદલ ૧૨ કેસ અને કલમ ૨૮૫ હેઠળ જાહેર માર્ગમાં અડચણરૂપ વાહનો રાખવા બદલ ૨૮ કેસ નોંધવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૦૭ હેઠળ ૨૭ વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં હતાં. વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવા બદલ ૭૨, નંબર પ્લેટ વગરનાં વાહનોના ૫૧ અને ફેન્સી નંબર પ્લેટના ૪૦ કેસ નોંધવામાં આવ્યા હતા. આ તમામ કાર્યવાહી દરમિયાન સ્થળ પર જ કુલ રૂ. ૯૯,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવની કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક (લાલપુર વિભાગ), નાયબ પોલીસ અધિક્ષકો (શહેર અને ગ્રામ્ય વિભાગ) તથા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરના સુપરવિઝન હેઠળ જિલ્લા પોલીસના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે આગામી દિવસોમાં પણ આવી વિશેષ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application