BREAKING NEWS

જામનગરમાં બોગસ બેંક ખાતા મામલે ૨૪ પકડાયા : સવા બે કરોડનું ટ્રાન્જેક્શન

  • December 20, 2025 06:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જામનગર જીલ્લાના મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર  ફ્રોડ આચરનાર ટોળકીના ૨૪ આરોપીઓની ધરપકડ કરી કુલ ૨,૨૩ કરોડનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હોવાનું શોધી કાઢ્યું છે. અને પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અન્ય સાગરીતોની અને સુત્રધારોની શોધખોળ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. 


રાજકોટ વિભાગ આઈ.જી. પી. અશોકકુમાર યાદવના વડપણ અને અંગત માર્ગદર્શન હેઠળ તેમજ જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની રાહબરી હેઠળ જામનગર જિલ્લા માં સાયબર ક્રાઈમ ના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરતા ગુનેગારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર કાઈમ પોલીસ સ્ટેશનની ટિમ દ્વારા મ્યુલ બેંક એકાઉન્ટ સંબંધિત માહિતીના આધારે, જામનગર જિલ્લામાં કુલ ૩૬૩ શંકાસ્પદ બેંક ખાતાઓની સઘન તપાસ કરવામાં આવી હતી.


આ તપાસના પરિણામે, જામનગર જિલ્લા પોલીસ દ્વારા ૧૯૩૦ પર ફોન કરી કુલ ૭૬ એનસીસીઆરપી ફરીયાદોના આધારે જામનગર જીલ્લા ખાતે કુલ ૨૪ સાયબર કાઈમના ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જે મ્યુલ એકાઉન્ટી માં કુલ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી ૨,૨૩,૫૮,૨૨૭ની રકમના વ્યવ્હારો થયેલા હોવાનું શોધી કાઢ્યું હતું. ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલા ૫૫ આરોપીઓ પૈકી ૨૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને તેમની અકાઉન્ટમાં થયેલા કુલ સાયબર ફ્રોડની ૨કમ ૨,૨૩,૫૮,૨૨૭ના વ્યવહારો બાબતે આગળની તપાસ ચાલુ છે. સાથે જ ઉપરોક્ત ગુનાઓમાં સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ સધન રીતે ચાલુ છે.


સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકો તેમજ પોતાના બેંક ખાતાઓનો અજાણતા અથવા લાલચમાં આવી મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા આપેલ વ્યક્તિઓને નોટિસ આપી તપાસમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ગેર કાયદેસરની પ્રવૃતીમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
​​​​​​​
જામનગર જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સંકલન હેઠળ એલ.સી.બી.,એસ.ઓ.જી. તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો સાથે મળી હ્યુમન સોર્સિસથી તથા ટેકનિકલ એનાલીસીસના આધારે સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.​​​​​​​


મ્યુલ એકાઉન્ટ અંગે ચેતવણી 

ઘણી વાર લોકો નાની લાલચમાં આવીને પોતાના બેન્ક ખાતા બીજાને વાપરવા આપે છે જે ગંભીર ગુનો બની શકે છે, મ્યુલ એકાઉન્ટ શું છે ? જયારે કોઇ વ્યકિત પોતાના બેન્ક ખાતાનો ઉપયોગ અન્ય વ્યકિતને (મોટાભાગે ગુનાહીત) નાણાંની હેરફેર કરવા માટે દે છે તેને મ્યુલ એકાઉન્ટ કહેવાય, કમિશનની લાલચ અપાય છે, ખાતામાં પૈસા આવશે તમારે કાઢીને અમને આપવાના, આવી સ્કીમથી દુર રહેવું ઓળખના દસ્તાવેજો અજાણી વ્યકિતને આપવા નહીં ભાડે ખાતુ કયારેય કોઇને ન આપવું. હંમેશા યાદ રાખો કે જો તમારા ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા ફેરવવા માટે થશે તો પોલીસ તપાસમાં પ્રથમ ગુનેગાર તરીકે તમે ગણાશો, તમારા તમામ બેન્ક ખાતા ફ્રીજ થઇ શકે છે અને ધરપકડ થઇ શકે છે. ​​​​​​​


પોલીસ તફરથી મહત્વપુર્ણ અપીલ

સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરીકો તેમજ પોતાના બેન્ક ખાતાઓનો અજાણતા અથવા લાલચમાં આવી મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ થવા દીધેલા વ્યકિતઓને જામનગર જીલ્લા પોલીસ તરફથી મહત્વપુર્ણ અપીલ કરવામાં આવી છે કે, કોઇપણ વ્યકિત પોતાનું બેન્ક ખાતુ, એટીએમ કાર્ડ, ચેકબુક, યુપીઆઇ આઇડી, પીન, ઓટીપી અથવા મોબાઇલ નંબર કયારેય કોઇ અન્યને આપશો નહીં, કમિશનની લાલચભર્યા ફોન મેસેેજના કારણે ખાતુ ઉપયોગ માટે આપવા બદલ કાયદેસરની કાર્યવાહીની શકયતા રહે છે, કોઇએ બેન્ક ખાતુ ખોટી રીતે ઉપયોગ કર્યુ હોવાનું જાણ થાય તો સાયબર ક્રાઇમનો સંપર્ક કરવો, વહેલી ફરીયાદથી ફ્રોડની રકમ ફ્રીજ થવાની શકયતા વધી જાય છે, આપની સતર્કતા જ સાયબર સામેનો સૌથી વધુ મજબુત બચાવ છે, અજાણ્યા નંબર પર ડીટેઇલ શેર ન કરો, સાવચેત રહો, સુરક્ષીત રહો એવી માહિતી આપી અપીલ કરવામાં આવી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application