ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરમાં આ પ્રમાણ દિવસેને દિવસે વધતુ જાય છે. ત્યારે આવી જ એક વધુ એક ઘટના સુરતમાં બની છે. ચાલુ સ્પીચ દરમિયાન 24 વર્ષની યુવતી લથડિયા ખાતી ખાતી અચાનક જ ઢળી પડી હતી. બાદમાં બેભાન થતા ત્યાં જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. આ ઘટનાથી હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે યુવતીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી
મળતી માહિતી મુજબ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્થિત ધારૂકા કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જીલ ઠક્કર નામની 24 વર્ષીય યુવતી સ્પીચ આપી રહી હતી. આ દરમિયાન અચાનક તે લથડિયા ખાતી ઢળી પડી હતી અને બેભાન થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
હાજર લોકોમાં ચિંતાનો માહોલ છવાયો
કોલેજમાં કાર્યક્રમ દરમિયાન આ યુવતીને સ્પીચ આપતી વખતે જ નીચે પટકાઈ હતી. ચાલુ કાર્યક્રમમાં આ ઘટના બનતા ત્યાં હાજર લોકોમાં પણ ચિંતાનો માહોલ જાવો મળ્યો હતો. આ યુવતી પડી જતાં જ લોકો તેની પાસે દોડી આવ્યા હતાં. આ દરમિયાન તે બેભાન હાલતમાં હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.