સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં શુક્રવારે ફાંસીની સજા એટલે કે મૃત્યુદંડ પર વૈશ્વિક પ્રતિબંધ મૂકવા માટે રજૂ કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ મુસદ્દા પ્રસ્તાવ પર મતદાન યોજાયું હતું. આ મતદાનમાં ભારતે પોતાના સાર્વભૌમ કાનૂની અધિકારોનું રક્ષણ કરતાં મૃત્યુદંડ પર રોક લગાવવાના આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. જોકે, સંયુક્ત રાષ્ટ્રના કુલ 193 સભ્ય દેશોમાંથી 133 દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં મત આપતા આ પ્રસ્તાવ 33 મતોની સામે 133 મતોની બહુમતીથી પસાર થઈ ગયો છે, જ્યારે 16 દેશોએ મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
મેક્સિકો દ્વારા રજૂ કરવામાં આવેલા 'મૃત્યુદંડ પર રોક' સંબંધિત આ પ્રસ્તાવમાં વિશ્વના તમામ દેશોને ફાંસીની સજા બંધ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ મતદાનમાં ભારત ઉપરાંત વિશ્વની અન્ય મોટી મહાસત્તાઓ અને પડોશી દેશોએ પણ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. વિરોધમાં મતદાન કરનારા મુખ્ય દેશોમાં અમેરિકા, ચીન, જાપાન, પાકિસ્તાન, સાઉદી અરબ, બહેરીન, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, કુવૈત, માલદીવ, ઓમાન અને કતારનો સમાવેશ થાય છે. આ દેશોનું માનવું છે કે દરેક રાષ્ટ્રને પોતાના આંતરિક કાયદા અને ન્યાય પ્રણાલી નક્કી કરવાનો સ્વતંત્ર અધિકાર હોવો જોઈએ.
પસાર થયેલા આ પ્રસ્તાવમાં વિશ્વભરમાં સતત આપવામાં આવી રહેલી મોતની સજા પર ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રસ્તાવમાં એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓને અનુરૂપ યોગ્ય કાનૂની દંડ નક્કી કરવા સહિત પોતાની ન્યાય વ્યવસ્થા વિકસાવવાનો અધિકાર તમામ સાર્વભૌમ દેશો પાસે છે. તેમ છતાં, પ્રસ્તાવમાં તમામ દેશોને મૃત્યુદંડ નાબૂદ કરવાની દિશામાં આગળ વધવા અને જે દેશોએ ફાંસીની સજા સમાપ્ત કરી દીધી છે તેમને તે ફરીથી લાગુ ન કરવાની અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત, પ્રસ્તાવમાં એ બાબત પર પણ ગંભીર ચિંતા દર્શાવવામાં આવી હતી કે મૃત્યુદંડને મર્યાદિત કરવાના વૈશ્વિક પ્રયાસો છતાં વર્ષ 2025 માં ફાંસી આપવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પ્રસ્તાવમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, માનસિક કે બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ અને વૃદ્ધોને મૃત્યુદંડ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરાઈ છે. સાથોસાથ, 18 વર્ષથી ઓછી ઉંમરે ગુનો કરનાર કિશોરોને કોઈપણ સંજોગોમાં મૃત્યુદંડ ન આપવો જોઈએ તેવો આગ્રહ પણ રાખવામાં આવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેની ન્યાયિક પ્રણાલીમાં માત્ર 'રેરેસ્ટ ઓફ રેર' એટલે કે અત્યંત જઘન્ય અપરાધોમાં જ ફાંસીની સજા આપવામાં આવે છે.