રાજકોટ શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી સતત વાદળછાંયા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય, ઋતુજન્ય અને પાણીજન્ય રોગચાળાનું ત્રિભેટે આક્રમણ થયું છે, આજરોજ જાહેર કરાયેલા મ્યુનિ.વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર ડેંગ્યૂનો એક, ટાઇફોઇડનો એક, ઝાડા-ઉલ્ટીના ૩૪૭, તાવના ૧૦૧૭ અને શરદી-ઉધરસના ૧૦૫૪ કેસ સહિત કુલ ૨૪૨૦ કેસ નોંધાયા છે.
વિશેષમાં મ્યુનિ.આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે રોગચાળો નિયંત્રિત સમગ્ર શહેરમાં ૧,૧૨,૩૬૮ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળી હોય તેવા ૯૭૪ ઘરોમાં ફોગિંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરાઇ હતી. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૨૦૭ પ્રિમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વિગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરી રહેણાંકમાં ૨૯૨ અને કોર્મશિયલમાં ૨૦૩ સહિત કુલ ૪૯૫ને નોટીસ ફટકારાઇ હતી.