BREAKING NEWS

જામનગરમાં માત્ર ૩ વર્ષમાં જ ૨૬ ‘ધ બર્નીંગ કાર’

  • November 26, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં છેલ્લાં ૩ વર્ષમાં માર્ગ પર ૨૬ કાર આગને કારણે સળગી ઉઠ્યાના બનાવ મનપાના ફાયરબ્રીગેડના ચોપડે નોંધાયા છે. કારના વેંચાણમાં ધરખમ વધારા વચ્ચે આ બનાવ લાલબતીની સાથે ચિંતાજનક છે. કારમાં કંપનીને બદલે સ્થાનીક કક્ષાએ કરવામાં આવતા સીએનજી અને વાયરીંગ ફીટીંગમાં ક્ષતિના કારણે મોટાભાગે આગના બનાવ બનતા હોવાનો મત તજજ્ઞોએ વ્યકત કર્યો છે. આટલું જ નહીં કારમાં ઉંદર ઘૂસી વાયરીંગ કાપી જતા શોર્ટ-સર્કીટના કારણે પણ આગ લાગે છે. આથી કારધારકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 


જામનગરમાં છાશવારે શહેરના માર્ગો પર કારમાં આગ લાગતા ભડભડ સળગી ઉઠયાના બનાવ બની રહ્યા છે. આ બનાવ િંચંતાજનક રીતે વધી રહ્યા છે. જે ખરેખર ખતરાની ઘંટી સમાન છે. કોઇ કિસ્સામાં ચાલતી કારમાં તો અમુક કિસ્સામાં પાર્ક કરેલી કારમાં પણ આગના લાગ્યાના બનાવનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં કારમાં આગ શું કામ લાગે છે તે ખરેખર તપાસનો વિષય બન્યો છે. ત્યારે કારમાં આગ સીએનજી અને વાયરીંગ ફીટીંગમાં ક્ષતિના કારણે આગ લાગી રહ્યાનો સ્પષ્ટ મત તજજ્ઞોએ વ્યકત કર્યો છે. કારનું વેંચાણ કરતા શો-રૂમના માલીકો અને સર્વિસ સાથે સંકળાયેલા ગેરેજ સંચાલકોએ જણાવ્યું છે કે, કારમાં આગ લાગવાના બનાવ પાછળ મહદઅંશે સીએનજી અને વાયરીંગના ફીટીંગમાં ખામી કારણભૂત છે. કારણ કે, ઘણા કારધારકો કંપનીના બદલે સ્થાનિક કક્ષાએ સીએનજી અને વાયરીંગ કરાવે છે. જેમાં ખામી રહી જતાં કારમાં શોર્ટ-સર્કીટના કારણે આગ લાગે છે. 


આટલું જ નહીં ઘણા કારચાલકો ફોગ લાઇટ, હેડ લાઇટનું વધારાનું વાયરીંગ કરાવે છે. જે યોગ્ય રીતે થયું ન હોય શોર્ટ-સર્કીટના કારણે કારમાં આગના બનાવ બનતા હોવાનું તેઓએ ઉમેર્યું હતું. આટલું જ નહીં શહેરમાં ભૂગર્ભ ગટરના કારણે ઉંદરનો ત્રાસ ઘટવાને બદલે વઘ્યો છે. જેના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાર્ક કરેલી કારમાં ઉંદર ઘૂસી જવાની ફરિયાદો સામાન્ય બની છે.


ઉંદર કારમાં ઘૂસી વાયરીંગ તોડી નાખતા હોય કાર ચાલુ કરતા શોર્ટ-સર્કીટના કારણે આગ લાગતા સળગી ઉઠે છે. તદઉપરાંત કારમાં પેટ્રોલ પાઇપ લીકેજ હોય સમયસર બદલાવ્યો ન હોય તો શોર્ટ-સર્કીટના કારણે આગ લાગતી હોવાનું પણ ગેરેજ માલીકોએ જણાવ્યું છે. શહેરમાં કારનું વેંચાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેની સાથે કારમાં આગના બનાવ પણ ઉતરોતર વધી રહ્યા છે. જે ખરા અર્થમાં ચિંતાજનક છે. આ સ્થિતિમાં  કારમાં કંપનીનું સીએનજી અને વાયરીંગ કરાવાવું હીતાવહ છે. આટલું જ નહીં કારમાં કરવામાં આવતું ફોગ અને હેડ લાઇટનું એકસ્ટ્રા વાયરીંગ તથા પેટ્રોલ પાઇપ લીકેજ નથી તેની પણ ચકાસણી ખૂબજ જરૂરી છે. 


સમયાંતરે વાયરીંગ સહીતની ચકાસણી કરી દુઘર્ટના ટાળી શકાય 

જામનગરમાં કારમાં આગ લાગતા ભડભડ સળગવાના બનાવ વઘ્યા છે. ત્યારે કારમાં આગ ન લાગે તે માટે સમયાતંરે કારમાં એકસ્ટ્રા સહીતના વાયરીંગની ચકાસણી કરવા ગેરેજ માલીકોએ જણાવ્યું છે. તદઉપરાંત પેટ્રોલની પાઇપ લીક હોય અને ભેજ આવે તો શોર્ટ-સર્કીટના કારણે પણ કારમાં આગ લાગતી હોય આ પાઇપ લીકેજ નથી તેની પણ ચકાસણી કરવી જોઇએ. આમ કારમાં વાયરીગ, સીએનજીની ટાંકી તેમજ પેટ્રોલ પાઇપની નીયમીત ચકાસણી કરી દુઘર્ટના ટાળી શકાય છે. ​​​​​​​


જામનગરમાં કયાં વર્ષમાં કેટલી કાર ભડભડ સળગી ઉઠી 

જામનગરમાં ફકત ૩ વર્ષમાં ૨૬ કાર ભડભડ સળગી ઉઠ્યાનું મનપાના ફાયરબ્રીગેડના ચોપડે નોંધાયું છે. જેમાં વર્ષ-૨૦૨૩માં ૯, ૨૦૨૪માં ૯ અને ૨૦૨૫માં ૮ કાર સળગી ઉઠ્યાના સંદેશા ફાયરબ્રીગેડને મળ્યા છે. કાર સળગવાના બનાવમાં ઉતરોતર થતો વધારો ખતરાની ઘંટી સમાન છે. ત્યારે કાર સળગે અને કોઇ જીવલેણ દુઘર્ટના સર્જાય તે પહેલા કારધારકોએ કારમાં કયા કયા કારણોસર આગ લાગે છે તેની તકેદારી રાખવી ખૂબજ જરૂરી બની છે. ​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application