રાજકોટ શહેરમાં ગઇકાલે અષાઢી બીજના શુકનવંતા દિવસે નવા વાહનોની ખરીદીનો ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, ગઇકાલે ૨૭૭ ટુ વ્હીલર અને ૫૮ કાર તેમજ અન્ય સહિત કુલ રૂ.૯.૬૪ કરોડની કિંમતના ૩૪૬ વાહનોનું વેંચાણ થતા રાજકોટ મહાપાલિકાને વાહનવેરા પેટે રૂ.૨૦.૮૫ લાખની આવક થઇ હતી. મ્યુનિ.અધિકારી વર્તુળોના જણાવ્યા અનુસાર ગત વર્ષની અષાઢી બીજની તુલનાએ આ વર્ષે વાહન વેચાણમાં ૨૦ ટકા અને વેરા આવકમાં રૂ.૯ લાખનો વધારો નોંધાયો છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના વ્હીકલ ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ગુરુવારના એક જ દિવસમાં શહેરમાં કુલ ૩૪૬ વાહનોની ખરીદી અને નોંધણી થઈ હતી. આ વાહનોની કુલ કિંમત રૂ.૯ કરોડ ૬૪ લાખ ૧૬ હજાર ૭૬૩ નોંધાઇ હતી, જે પેટે રાજકોટ મહાપાલિકાને રૂ.૨૦ લાખ ૮૫ હજાર ૪૧૨ની વાહનવેરાની આવક થઈ હતી.
અષાઢી બીજના શુભ મુહૂર્તે સૌથી વધુ ૨૭૭ ટુ-વ્હીલરની ખરીદી થઈ હતી. તેમાં ૨૭૬ પેટ્રોલ ટુ-વ્હીલર અને અન્ય ઇંધણ શ્રેણીનું એક ટુ-વ્હીલર સામેલ છે. ટુ-વ્હીલરના વેચાણથી મનપાને કુલ રૂ.૩.૭૦ લાખનો વાહનવેરો પ્રાપ્ત થયો હતો.
શહેરમાં વિવિધ પ્રકારનાં કુલ આઠ થ્રી-વ્હીલરની ખરીદી થઈ હતી. જેમાં સીએનજી અને ડીઝલ આધારિત કોમર્શિયલ થ્રી-વ્હીલર ઉપરાંત છ સીએનજી પેસેન્જર થ્રી-વ્હીલરનો સમાવેશ થાય છે. આ વાહનો થકી મનપાને રૂ.૩૦,૨૯૫ની આવક થઈ હતી.
અષાઢી બીજના દિવસે કુલ ૫૮ ફોર-વ્હીલર કારનું વેચાણ નોંધાયું હતું. તેમાં ૨૩ સીએનજી, આઠ ડીઝલ અને ૨૭ પેટ્રોલ કારનો સમાવેશ થાય છે. પેટ્રોલ કારના વેચાણથી સૌથી વધુ રૂ.૯,૦૩,૫૭૬ અને ડીઝલ કારથી રૂ.૩,૮૨,૮૩૮ તેમજ સીએનજી કારથી રૂ.૨,૯૭,૧૯૭નો વાહનવેરો મનપાને મળ્યો હતો.
આ ઉપરાંત બે લાઇટ કોમર્શિયલ વાહનો અને એક હેવી કોમર્શિયલ વાહનની પણ ખરીદી થઈ હતી. આમ, અષાઢી બીજના શુભ દિવસે રાજકોટના વાહન બજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી અને વાહનવેરા પેટે મહાનગરપાલિકાની તિજોરીમાં એક જ દિવસમાં રૂ.૨૦.૮૫ લાખથી વધુની આવક જમા થઈ હતી.