રાજકોટ શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા દંપતી સાથે કુદરતે ક્રૂર મજાક કરી હોય તેમ આ દંપતીના પ્રથમ સંતાનનું નાની વયે મોત થયા બાદ પુત્ર પ્રાપ્તિ થતા પુત્રનું પણ ત્રણ દિવસમાં અવસાન થતાં દંપતી આઘાતમાં સરી પડ્યું હતું. ત્રણ વર્ષના બાળકને માતાએ પાવડરવાળું દૂધ પીવડાવ્યા બાદ બેભાન થઈ ગયું હતું અને હોસ્પિટલ લઈ જતા તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યું હતું. બનાવને લઈ પોલીસે બાળકના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ માર્ટમ કરાવ્યું છે.
બાળકને જગાવવા જતા બાળક જાગ્યું ન હતું
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતા હિતેશભાઈ પરમારના ત્રણ દિવસના પુત્ર લાલોને તેની માતા નિકિતાએ ગઇકાલે રાત્રીના બહારથી પાવડરવાળું દૂધ મંગાવી પીવડાવ્યું હોય જે પીધા બાદ બાળક સુઈ ગયું હતું. એકાદ કલાક બાદ બાળકને જગાવવા જતા બાળક જાગ્યું ન હતું. જેથી તેને ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું.
મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું
બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, બાળકના પિતા મિતેશભાઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દંપતીને અગાઉ સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થઈ હતી જે નાનીવયે અવસાન પામી હતી. ત્યારબાદ પુત્ર લાલાની પ્રાપ્તિ થઈ હતી. જેનું પણ ત્રણ દિવસમાં જ આ રીતે મૃત્યુ થતાં માતા-પિતા આઘાતમાં સરી પડ્યા હતા. બનાવને લઈ પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ એસ.વી.જોરાએ જરૂરી કાર્યવાહી કરી બાળકના મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.