ગીર સોમનાથ જિલ્લામાં ઓવરલોડ તથા ખનીજ વહન કરતા વાહનો સામે આરટીઓ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સહાયક મોટર વાહન નિરીક્ષક જે. એ. ટાંકના જણાવ્યા મુજબ આજે ઓવરલોડ ખનીજ વહન કરતા ત્રણ ડમ્પરને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ત્રણેય ડમ્પરમાં મોટા પથ્થરોનું વહન કરવામાં આવી રહ્યું હતું. તપાસ દરમિયાન વાહનો નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ ભાર સાથે દોડતા હોવાનું જણાતા આરટીઓ વિભાગે કાર્યવાહી કરી હતી. સાથે જ ખનીજ ચોરીની શંકા અંગે ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગીર સોમનાથ આરટીઓ વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનામાં વાહન નિયમોના ભંગ બદલ કુલ 288 ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. જેમાં ઓવરલોડિંગના 17 મેમો બનાવી રૂ. 2,03,000નો દંડ, જ્યારે ઓડીસી હેઠળ 5 મેમો બનાવી રૂ. 34,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત રોડ સેફ્ટી અંતર્ગત 252 મેમો ઇશ્યૂ કરી રૂ. 8,06,950નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ, ઓગસ્ટ માસ દરમિયાન કુલ 288 ચલણ સામે રૂ. 11,01,629નો દંડ આકારવામાં આવ્યો હોવાનું આરટીઓ વિભાગે જણાવ્યું છે. આરટીઓ વિભાગે વાહનચાલકો અને વાહન માલિકોને વાહનના તમામ જરૂરી દસ્તાવેજો પૂર્ણ રાખવા તેમજ વાહનની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ માલનું વહન ન કરવા અપીલ કરી છે. ઓવરલોડિંગને કારણે વાહનનું નિયંત્રણ મુશ્કેલ બનતા માર્ગ અકસ્માતનું જોખમ વધે છે. તેથી વાહનચાલકો નિયમોનું પાલન કરી વાહન ચલાવે અને માર્ગ સલામતી જાળવવામાં સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ગીર સોમનાથ જિલ્લામાં ઓવરલોડ તથા નિયમ વિરુદ્ધ ખનીજ વહન કરતા વાહનો સામે આરટીઓની કાર્યવાહી વધુ કડક બને તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application