રાજકોટમાં 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા ‘વિરાસત થી વિકાસ’ લોકમેળામાં આ વર્ષે મુલાકાતીઓની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મેળો શરૂ થઈ ગયો હોવા છતાં, સલામતીના કડક ધોરણોના કારણે પ્રથમ દિવસે 34માંથી એક પણ રાઈડ્સને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.
ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકમેળાની રાઈડ્સ માટે 11 અરજદારો દ્વારા કુલ 34 રાઈડ્સ માટે અરજીઓ કરવામાં આવી છે. 'સિટી રાઈડ સેફ્ટી એન્ડ ઈન્સ્પેક્શન કમિટી' દ્વારા દરેક રાઈડનું સ્થળ પરિક્ષણ (ઈન્સ્પેક્શન) અને ટેકનિકલ ચકાસણી કરવામાં આવી રહી છે. કમિટી તરફથી તમામ કાયદાકીય અને સુરક્ષા સંબંધિત પોઝિટિવ ઓપિનિયન મળશે, તે પછી જ તબક્કાવાર રાઈડ્સના લાયસન્સ ઈસ્યુ કરવામાં આવશે. સાંજના સમયે ઈન્સ્પેક્શન બાદ જ રાઈડ્સ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ડ્રોન સર્વેલન્સ
લોકમેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની સુરક્ષા માટે 1500થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 2 ડીસીપી, 4 એસીપી, 14 પીઆઈ, 54 પીએસઆઈ સહિત સવા 600થી વધુ પોલીસ જવાનો, 350 હોમગાર્ડ, 350 ટીઆરબી જવાનો અને એસઆરપીની ટુકડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આખી મેળાગ્રાઉન્ડ પર વોચ ટાવરથી અને SOGની ટીમ દ્વારા ડ્રોન મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે.
છેડતી કે ઈવ-ટીઝિંગના બનાવો રોકવા માટે ‘શી ટીમ’ સ્પેશિયલ તૈનાત કરાઈ છે. તેમજ પોકેટ ચોરી અને મોબાઈલ ચોરી અટકાવવા DCB, SOG અને LCBની ટીમો ગ્રાઉન્ડ પર સક્રિય રહીને શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરી રહી છે.