BREAKING NEWS

જામનગરમાં લેન્ડ ગ્રેબીંગ પ્રકરણમાં ૩ શખ્સ કોર્ટ હવાલે

  • February 11, 2026 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના ૬૬ પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા ૬ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, અને પૂછપરછ હાથ ધરી છે. જયારે અન્ય ત્રણની શોધખોળ આદરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળનું પંચનામું કરાયુ હતું અને નિવેદનો લેવાની તજવીજ ચલાવવામાં આવી છે આરોપીઓ દ્વારા સરકારી જમીનમાં ગોટાળા કરીને જરૂરીયાતમંદોને કાગળ પર નજીવી રકમે લાલચમાં પ્લોટ વેચી માર્યા હતા. 


જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની જમીન કે જે ૮,૫૮૬ ચોરસ મીટર છે, અને તેની હાલ બજાર કિંમત બે કરોડ ૮૦ લાખ થવા જાય છે. જે જમીન પચાવી પાડનારા ૬ આરોપીઓ જામનગરમાં રહેતા મનસુખ રતીલાલ ભટ્ટી, આમદભાઈ ઉંમરભાઈ ખફી, નુરમામદ ઉર્ફે બોદુ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતીલાલ મારૂ, યજ્ઞેશ રતિલાલ રાણપરીયા અને જગદિશ ગણેશભાઈ ચોવટીયા સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.


જે પ્રકરણની તપાસ ચલાવી રહેલા જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા અને તેઓની ટીમના મેહુલ દલસાણીયા, મગન ચંદ્રપાલ સહિતના દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે. પંચનામુ કરાયુ હતું દરમ્યાન ગઇકાલેે ત્રણ આરોપીઓ જગદીશ ગણેશભાઈ ચોવટીયા, રાજેશ કાંતિલાલ મારુ, અને યજ્ઞેશ રતિલાલ રાણપરીયાની અટકાયત કરી અને ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


ત્રણેય પકડાયેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા, જયારે આ પ્રકરણમાં નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ સરકારી જમીનમાં પ્લોટ પાડીને કાગળ પર ૧૬ હજારના લખાણ સાથે વેચી નાખ્યા હતા અને અલગ અલગ લોકોને પ્લોટ આપ્યા હતા ત્યાર બાદ નદીના વહેણના પ્લોટ બાબતે તપાસ કરતા અને લેન્ડ ગ્રેબીંગ કમિટી સમક્ષ અરજી કરવામાં આવતા સમગ્ર જમીન કૌભાંડનો ભાંડો ફુટયો હતો અન્ય ત્રણ આરોપીઓ શકંજામાં આવ્યા બાદ આ પ્રકરણમાં વધુ કેટલીક વિગતો સામે આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application