ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. મગફળીની નોંધણી કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા રૂ.૧,૩૫,૦૦૦ જમા કરાવવાની અથવા ૩૦૦ મણ મગફળીની ખરીદી કરવાની માગ કરી છે. કોંગ્રેસે ધોળા દિવસે દીવડાં પ્રગટાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો, ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યો હતો. તેમજ રેલી કાઢવામાં આવી હતી. રેલી બાદ દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવટેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસના નેતા અને કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયાએ સરકાર સમક્ષ એક આવેદન પત્ર રજૂ કર્યું હતું. તેમની મુખ્ય માંગણીઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરીને રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા રૂ.૧,૩૫,૦૦૦ જમા કરાવવા અથવા દરેક ખેડૂત પાસેથી ૩૦૦ મણ મગફળીની ખરીદી કરવાનો સમાવેશ થાય છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ’ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટી’ ના અહેવાલને ટાંકીને આ માગ કરી છે. આ કમિટીએ ટેકાના ભાવે ખરીદી બંધ કરીને ખેડૂતોને હેક્ટર દીઠ સીધી સહાય આપવાની ભલામણ કરી હતી.

સમિતિના અહેવાલ મુજબ, ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા પાછળ સરકારને પ્રતિકિલોગ્રામ રૂ.૩૨ અથવા પ્રતિ મણ રૂ.૬૪૦નું નુકસાન થાય છે. આ નુકસાનની રકમને આધાર બનાવીને કોંગ્રેસે સૂચન કર્યું હતું કે, સરકારે ૨૦૦ મણની ખરીદી દીઠ થતા નુકસાન બરાબર રૂ.૧,૨૮,૦૦૦ ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવા જોઈએ.
જો સરકાર ટેકાના ભાવે ખરીદી ચાલુ રાખવા માંગતી હોય, તો પ્રદેશ કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી ૩૦૦ મણ મગફળીની ખરીદી થવી જોઈએ. જો ૩૦૦ મણ કરતાં ઓછી ખરીદી થાય, તો ખેડૂતોને ખુલ્લા બજારના ભાવ (લગભગ રૂ.૧૦૦૦) અને ટેકાના ભાવ (રૂ.૧૪૫૨.૬૦) વચ્ચેનો તફાવત એટલે કે પ્રતિ મણ રૂ.૪૫૨ લેખે વળતર તરીકે સીધા તેમના ખાતામાં જમા કરાવવો જોઈએ. આ રકમ ૩૦૦ મણ પર રૂ.૧,૩૫,૬૦૦ જેટલી થાય છે. તેમ પ્રાંત અધિકારીને આવેદનપત્રમાં જણાવી સરકાર સમક્ષ માંગ કરાઇ છે.