જામનગર: ધુળશીયાની સીમમાં ૩૧૪ કીલો ભેળસેળવાળા ઘીનો જથ્થો ઝડપાયો
પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ્સની ટીમ ત્રાટકી : ૧.૫૭ લાખનો શંકાસ્પદ મુદામાલ કબ્જે : રાજકોટના શખ્સની પુછપરછ
જામનગર તાબેના ધુળશીયા ગામની સીમમાં ભેળસેળવાળો ધીના જથ્થા સાથે એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો, પંચકોશી-એ અને ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સંયુકત દરોડો પાડવામાં આવ્યો હતો, ૩૧૪ કીલો શંકાસ્પદ ઘીનો જથ્થો લઇને સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે જેના રીપોર્ટ આવ્યા બાદ વધુ પગલા લેવામાં આવશે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, જામનગર એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા જીલ્લામાં અસામાજીક પ્રવૃતી કરતા શખ્સો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવાની સુચના આપતા ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા તથા પંચકોશી-એના પીઆઇ એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
પીએસઆઇ એ.આર. પરમાર, સ્ટાફના હરદેવસિંહ, કમલેશભાઇને ખાનગી બાતમી મળેલ કે ધુળશીયા ગામની સીમમાં આવેલ પરેશભાઇ ભેળસેળયુકત ઘી બનાવીને વેચાણ કરે છે જેથી ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને સાથે રાખી સ્થળે તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો જોવા મળ્યો હતો.
ભેળસેળયુકત ઘીના ૯ કેન, જેનું કુલ વજન ૩૧૪ કીલો અંદાજે કિ. ૧.૫૭ લાખ ભેળસેળ ઘી મળી આવેલ આ શંકાસ્પદ જથ્થામાંથી પૃથ્થકરણ માટે સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ભેળસેળયુકત ઘી બનાવનાર રાજકોટના વિરાણી ચોકમાં રહેતા પરેશ ભિમજી વણપરીયાની પુછપરછ કરી હતી.