ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવાના આશયથી તાલુકા વિકાસ અધિકારી (TDO) સંવર્ગમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશો મુજબ, રાજ્યભરમાં બદલી અને બઢતીનો ગંજીપો ચીપાયો છે.

ગુજરાત સરકારના પંચાયત વિભાગે વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે એક સાથે અનેક મહત્વના આદેશો જારી કર્યા છે. આ પ્રક્રિયા અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા વર્ગ-૨ ના ૩૫ જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ સાથે જ, લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા વર્ગ-૩ ના કુલ ૧૧૮ કર્મચારીઓને વર્ગ-૨ (ગુજરાત વિકાસ સેવા) માં બઢતી આપીને નવી નિમણૂક સોંપવામાં આવી છે.

બઢતી મેળવનારા આ તમામ ૧૧૮ અધિકારીઓને સરકારના પે-સ્કેલ લેવલ-૮ મુજબ રૂ. ૪૪,૯૦૦ થી રૂ. ૧,૪૨,૪૦૦ ના ધોરણમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મહત્વની બઢતીઓ
એસ. આઈ. ઝીંઝુવાડીયા: સુરેન્દ્રનગરના નાયબ ચીટનીશને બઢતી આપી બોટાદ જિલ્લાના બરવાળા ના TDO તરીકે નિયુક્ત કરાયા છે.
રાકેશ રાઠોડ: રાજકોટના નાયબ ચીટનીશને પદોન્નતિ સાથે મોરબીના માળીયામીયાણા ના TDO તરીકેની જવાબદારી સોંપાઈ છે.
શ્રી એસ. એમ. પટેલ: મહેસાણાના વિસ્તરણ અધિકારીને ખેડાના કપડવંજ ખાતે TDO તરીકે મુકાયા છે.
શ્રી આર. બી. મકવાણા: ભાવનગરના કચેરી અધીક્ષકને પદોન્નતિ આપી અમરેલીના બાબરા ખાતે નિમણૂક અપાઈ છે


અગાઉના આદેશોમાં સુધારો
સરકારે આ અગાઉ ફેબ્રુઆરી માસમાં કરેલી કેટલીક બદલીઓને મૂળ અસરથી રદ કરવાનો પણ નિર્ણય લીધો છે. જેમાં સુરેન્દ્રનગરના વઢવાણના TDO ગીતાબેન ધીરૂભાઈ શીરોયા અને પંચમહાલના શહેરાના TDO પાર્થકુમાર પટેલ સહિત કુલ પાંચ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓની બદલીના આદેશો હાલ પૂરતા સ્થગિત કે રદ કરવામાં આવ્યા છે.

વહીવટી જગ્યાઓની સ્થિતિ
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચાયત વિભાગમાં ઘણા સમયથી બઢતીની પ્રક્રિયા પડતર હતી. આ ૧૧૮ નિમણૂકો બાદ પણ રાજ્યમાં હજુ અંદાજે ૧૦૦ જેટલી TDOની જગ્યાઓ ખાલી હોવાનું મનાય છે. નવી નિમણૂકોને કારણે ગ્રામ્ય સ્તરના વહીવટમાં ગતિ આવશે અને વિકાસલક્ષી કાર્યોમાં ઝડપ જોવા મળશે.

સરકારના આ જાહેરનામા મુજબ, બઢતી પામેલા તમામ અધિકારીઓએ કામચલાઉ ધોરણે આ જવાબદારી સંભાળવાની રહેશે અને નિયત સમયમર્યાદામાં પોતાની નવી જગ્યાએ હાજર થવાનું રહેશે. જો કોઈ અધિકારી હાજર થવામાં નિષ્ફળ જશે, તો તેમની બઢતી રદબાતલ ગણવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.



