ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે, જે સોલાર સેલ ઉદ્યોગમાં ઝડપથી વિકાસ પામી રહ્યો છે. યુએસ વાણિજ્ય વિભાગે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસથી આયાત થતા સોલાર સેલ અને પેનલ્સ પર પ્રારંભિક એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે. છેલ્લા દાયકા (દસ વર્ષ) દરમિયાન એશિયાથી સોલાર આયાત પર લાદવામાં આવેલા ટેરિફની શ્રેણીમાં આ નવીનતમ છે. સ્થાનિક સૌર ફેક્ટરી માલિકોનો પક્ષ લેતા, ફેડરલ વેપાર અધિકારીઓએ શોધી કાઢ્યું કે આ ત્રણ દેશોમાં કાર્યરત કંપનીઓએ યુએસ બજારમાં સસ્તા માલનો ડમ્પિંગ કર્યો છે. વાણિજ્ય વિભાગની વેબસાઇટ પર પ્રકાશિત એક ફેક્ટ શીટ અનુસાર, એજન્સીના પ્રારંભિક ડ્યુટી દરોમાં ભારતમાંથી આયાત પર અમેરિકાએ 123.04 ટકા એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી ઝીંકી છે.
સાથોસાથ ઇન્ડોનેશિયાથી આયાત પર 35.17 ટકા અને લાઓસથી આયાત પર 22.46 ટકા એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે. આને ડમ્પિંગ માર્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. સરકારી વેપાર ડેટા અનુસાર, ગયા વર્ષે કુલ સૌર આયાતમાં આ ત્રણ દેશોનો હિસ્સો 4.5 બિલિયન ડોલર હતો, જે કુલ આયાતના લગભગ બે તૃતીયાંશ હિસ્સો હતો. આ નિર્ણય આ દેશોના ઉત્પાદકો માટે મોટો ફટકો છે જેઓ ઝડપથી વિકસતા યુએસ બજારમાં તેમના ઉત્પાદનો સપ્લાય કરી રહ્યા હતા.
ધ એલાયન્સ ફોર અમેરિકન સોલાર મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડે અરજી દાખલ કરી હતી. એલાયન્સમાં ટેમ્પ, એરિઝોના સ્થિત ફર્સ્ટ સોલાર, કોરિયન કંપની હેનવા ના સોલાર ડિવિઝન ક્યુસેલ્સ અને બે ખાનગી કંપનીઓ, ટેલોન પીવી અને મિશન સોલારનો સમાવેશ થાય છે. એલાયન્સે જણાવ્યું હતું કે, આ પ્રારંભિક તારણો પુષ્ટિ કરે છે કે આ દેશોના ઉત્પાદકો યુએસ બજારમાં નોંધપાત્ર રીતે ઓછા ભાવે સોલાર સેલ અને મોડ્યુલ ડમ્પ કરી રહ્યા છે. આ અમેરિકન ઉત્પાદનોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને સ્થાનિક ઉત્પાદન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ તબક્કે બજાર સ્પર્ધાને અસર કરી રહ્યું છે.
આ જૂથ અગાઉ મલેશિયા, કંબોડિયા, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોથી આયાત પર ટેરિફ લાદવામાં સફળ રહ્યું છે. વાણિજ્ય વિભાગે જણાવ્યું હતું કે તે ભારત અને ઇન્ડોનેશિયાથી સોલાર સેલ પર પોતાનો અંતિમ નિર્ણય 13 જુલાઈ અથવા તેની આસપાસ જાહેર કરશે. લાઓસથી આયાત પરનો નિર્ણય નવ સપ્ટેમ્બર અથવા તેની આસપાસ જાહેર કરવામાં આવશે. એજન્સીએ ફેબ્રુઆરી 2026માં આ ત્રણેય દેશો પર પ્રારંભિક કાઉન્ટરવેલિંગ ડ્યુટી લાદવાની પણ જાહેરાત કરી હતી.
એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી એક રક્ષણાત્મક ટેરિફ છે. તે સરકાર દ્વારા વિદેશી માલની આયાત પર લાદવામાં આવે છે જેની કિંમત સામાન્ય બજાર મૂલ્ય કરતા ઘણી ઓછી હોય છે. તેનો હેતુ સ્થાનિક ઉદ્યોગોને સસ્તા આયાતી માલથી થતા નુકસાનથી બચાવવા અને બજારમાં વાજબી સ્પર્ધા જાળવવાનો છે. તે આયાત કરનાર દેશની સરકાર દ્વારા તપાસ પછી લાદવામાં આવે છે.