BREAKING NEWS

વિરમગામમાં પીકઅપ વાનની ટક્કરથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત

  • April 24, 2026 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ જિલ્લાના નળ સરોવર-વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કમીજલા અને વનથળ ગામની વચ્ચે પૂરપાટ ઝડપે આવી રહેલી એક પીકઅપ વાને બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી એક મહિલા હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, આ ગોઝારી ઘટના આજે સવારે અંદાજે 8:00થી 8:30 વાગ્યાની વચ્ચે બની હતી. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકનો એક પરિવાર બાઈક પર સવાર થઈને વિરમગામ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવતી એક બોલેરો પીકઅપ વાનના ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર પરિવાર હવામાં ફંગોળાયો હતો.


આ અકસ્માત એટલો ભયાનક હતો કે આશરે 30થી 35 વર્ષની ઉંમરના એક પુરુષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક માસૂમ બાળકનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આમ, અકસ્માતે હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ઈજાગ્રસ્ત અન્ય એક મહિલાની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.


અકસ્માત સર્જાયા બાદ રસ્તા પર મરણચીસો ગુંજી ઉઠી હતી, પરંતુ પીકઅપ વાનનો ચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.


ઘટનાની જાણ થતા જ વિરમગામ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અજાણ્યા પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછના આધારે ફરાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. લખતર પંથકના પરિવારના મોતના સમાચાર મળતા જ તેમના વતનમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application