કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ (PF) ખાતાધારકોની સુવિધા માટે એક અત્યંત ઉપયોગી ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન (Joint Declaration)ની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ડિજિટલ સુવિધાની મદદથી હવે દેશભરના લાખો કર્મચારીઓ કોઈપણ મુશ્કેલી વગર ઘરે બેઠા જ પોતાના પીએફ ખાતામાં નોંધાયેલી ખોટી વિગતો સુધારવા માટે અરજી કરી શકે છે. આનાથી કર્મચારીઓને EPFOની સરકારી ઓફિસોના લાંબા ધક્કા ખાવામાંથી મોટી રાહત મળી છે.
સામાન્ય રીતે નોકરી દરમિયાન અથવા શરૂઆતમાં કર્મચારીના પીએફ ખાતામાં નામ, પિતાનું નામ, જન્મતારીખ અથવા નોકરી શરૂ અને છોડવાની તારીખ જેવી મૂળભૂત વિગતોમાં ક્ષતિઓ રહી જતી હોય છે. શરૂઆતના તબક્કે આ ભૂલો સામાન્ય કે ક્ષુલ્લક લાગતી હોય છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે કર્મચારીને અચાનક પીએફ ક્લેમ મેળવવાની જરૂર પડે ત્યારે આ નાની ભૂલો મોટી અડચણરૂપ સાબિત થાય છે. એટલું જ નહીં, જૂના પીએફ ખાતામાંથી નવા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા, ઓનલાઈન એડવાન્સ ઉપાડ કરવો અને નિવૃત્તિ સમયે પેન્શનનો લાભ મેળવવામાં પણ ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ બધી સમસ્યાઓના કાયમી નિવારણ માટે આ ઓનલાઈન પ્લેટફોર્મ ખૂબ જ પ્રભાવી સાબિત થઈ રહ્યું છે.
PF ખાતામાં કઈ-કઈ વિગતો સુધારી શકાશે?
EPFOના સત્તાવાર ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન પોર્ટલ દ્વારા સભ્યો પોતાના ખાતા સાથે જોડાયેલી વિવિધ મહત્ત્વપૂર્ણ વિગતોમાં સુધારા માટે અરજી કરી શકે છે. તેમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે
* કર્મચારીનું પૂરું નામ
* સાચી જન્મતારીખ
* પિતા અથવા પતિનું નામ
* નોકરી શરૂ કરવાની સચોટ તારીખ
* નોકરી છોડવાની તારીખ
* રોજગાર સંબંધિત અન્ય જરૂરી સત્તાવાર વિગતો
PF ખાતાની વિગતો સુધારવા માટે અપનાવો આ સરળ 5 સ્ટેપ
જો તમારા પણ પીએફ ખાતામાં કોઈ વિગત ખોટી દર્શાવતી હોય, તો તમે નીચે મુજબના પાંચ સરળ સ્ટેપ અનુસરીને તેમાં સુધારો કરાવી શકો છો:
૧. EPFO પોર્ટલ પર લોગિન કરો: સૌથી પહેલાં EPFOના સત્તાવાર મેમ્બર સેવા પોર્ટલ પર જાઓ. અહીં તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), પાસવર્ડ અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરીને સફળતાપૂર્વક લોગિન કરો.
૨. Joint Declaration વિકલ્પ પસંદ કરો: પોર્ટલ પર સફળતાપૂર્વક લોગિન કર્યા બાદ ઉપર આપેલા મુખ્ય મેનૂ અથવા મેનેજ સેક્શનમાંથી જોઈન્ટ ડિક્લેરેશનના વિકલ્પ પર ક્લિક કરો.
૩. ખોટી વિગતો પસંદ કરો: આ વિકલ્પ પસંદ કરતા જ સ્ક્રીન પર તમારા પીએફ ખાતાની વર્તમાન વિગતો દેખાશે. તેમાં નામ, જન્મતારીખ અથવા નોકરીનો સમયગાળો સહિત જે પણ વિગતમાં ભૂલ જણાય તેને ચિહ્નિત કરો.
૪. સાચી વિગતો દાખલ કરી દસ્તાવેજ અપલોડ કરો: હવે ખોટી વિગતોના સ્થાને સાચી અને આધારભૂત માહિતી દાખલ કરો. આ સુધારાના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, શાળાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા પાસપોર્ટ જેવા સત્તાવાર દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.
૫. તપાસીને અરજી સબમિટ કરો: તમે દાખલ કરેલી તમામ માહિતી અને અપલોડ કરેલા સપોર્ટિંગ દસ્તાવેજોને ફરી એકવારજીણવટપૂર્વક ચકાસી લો. જો બધી વિગતો સાચી જણાય તો અંતે સબમિટ બટન પર ક્લિક કરો.
અરજી સફળતાપૂર્વક સબમિટ થયા બાદ તે ઓટોમેટિક ચકાસણી માટે તમારા સંબંધિત નોકરીદાતા (Employer) અને ત્યારબાદ સંલગ્ન EPFO ઓફિસમાં મંજૂરી માટે મોકલવામાં આવશે. ઓફિસ દ્વારા દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા પીએફ ખાતાની વિગતોમાં યોગ્ય સુધારો કરી દેવામાં આવશે.
WhatsApp દ્વારા પણ મેળવી શકાશે PF ખાતાની વિગતો
કર્મચારીઓ માટે ટેકનોલોજીને વધુ સરળ બનાવતા EPFO દ્વારા સત્તાવાર WhatsApp સેવા પણ કાર્યરત કરવામાં આવી છે. આ આધુનિક સુવિધા દ્વારા સભ્યો પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી સરળ મેસેજ મોકલીને પીએફ ખાતું, લેટેસ્ટ બેલેન્સ, પાસબુકની સ્થિતિ અને છેલ્લાં પાંચ નાણાકીય ટ્રાન્ઝેક્શનની વિગતો ત્વરિત મેળવી શકે છે.
સંસ્થા દ્વારા તમામ ખાતાધારકોને પોતાના પીએફ ખાતાની વિગતો સમયાંતરે આધાર કાર્ડ અને અન્ય મૂળભૂત સરકારી દસ્તાવેજો સાથે મેળવીને ચકાસી લેવાની ખાસ સલાહ આપવામાં આવી છે. જો ખાતાની વિગતોમાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે વિસંગતતા ધ્યાને આવે, તો તુરંત જ ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન પોર્ટલની મદદથી સુધારા માટે અરજી કરી દેવી હિતાવહ છે.