વેરાવળ સોમનાથથી આવતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાજકોટના માલધારી ફાટક નજીક બપોરે 4:30 વાગ્યે પસાર થતી હતી તે વેળાએ ગોઝારી ઘટના સર્જાઈ હતી. જેમાં રેલવે ટ્રેક પર સેલ્ફી લેતા ચાર જેટલા પરપ્રાંતિય શ્રમિક યુવકો હાઈ સ્પીડ ટ્રેનની હડફેટે ચડી જતા સર્જાયેલ દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન બીજા યુવકનું મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક ની હાલત ગંભીર હોવાનું અને ચોથા યુવક ને સામાન્ય ઇજા પહોંચ્યાનું સામે આવ્યું છે.
યુવકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા.
હોસ્પિટલ પોલીસ ચોકી સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ થી સાબરમતી જતી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન પોતાના નિર્ધારિત રૂટ પર રાજકોટ તરફ આવી રહી હતી તે દરમિયાન બપોરે 4:30 વાગ્યા આસપાસ ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે માલધારી ફાટક નજીક અચાનક ચાર જેટલા યુવકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનને તાત્કાલિક ઉભી રાખવાની ફરજ પડી હતી, અને સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતા જ 108 એમ્બ્યુલન્સ અને રેલવે પોલીસ તેમજ આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
સેલ્ફી લેતા યુવકો ટ્રેનની ઝપટે ચડી ગયા
પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા આ અકસ્માતમાં થવાનું કારણ એવું હતું કે મૂળ ઉત્તર પ્રદેશના વતની પૈકી સંદીપ કોળી વતનમાં જતો હોય જેથી ચારેય મિત્રો હું એકઠા થયા હતા અને યાદગીરી રહે તે માટે દારૂની મહેફિલ કર્યા બાદ ચારેય મિત્રો સેલ્ફી લેવા માટે રેલવે ટ્રેક પાસે પહોંચ્યા હતા તે દરમિયાન જ સેલ્ફી લેતા યુવકો ટ્રેનની ઝપટે ચડી ગયા હતા. અકસ્માત થતા ટ્રેન અટકાવી દેવાયા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરતા ઘટના સ્થળે જ સંદીપ કોળી નામના ૨૩ વર્ષના યુવકનું કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઘવાયેલા યુવકો સંદીપ વિદ્યારામ પટેલ ઉમર ૨૦ કપિલ બુદ્ધ સાગર વર્મા ઉંમર ૧૭ કુલદીપ મહેશ્વર પ્રસાદ કોળી ઉંમર ૧૯ને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.
આ ગંભીર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સંદીપ વિદ્યારામ પટેલ નું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું તેમજ કપિલ બુદ્ધ સાગર વર્માની હાલત ગંભીર હોવાનું જ્યારે કુલદીપ મહેશ્વર પ્રસાદ કોળીને સામાન્ય ઇજાઓ પહોંચવાનું જાણવા મળ્યું છે
નશો કરી રીલ-સેલ્ફી લેવા ગયા હતા
ટ્રેનની અડફેટે મોતને ભેટેલો સંદીપ કોળી વતન યુપી ખાતે જતો હોય મિત્રો એકઠા થયા હતા અને દારૂની મહેફિલ માણી બાદ યાદગીરી રૂપે ચારે મિત્રો રીલ બનાવવા અને સેલ્ફી લેવા માટે માલધારી ફાટક પહોંચ્યા હતા અને સેલ્ફી લેવામાં મશગુલ હતા તે વેળાએ 4:30 વાગ્યા આસપાસ વેરાવળથી આવતી ટ્રેનની ઝડપે ચડી જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો,મૃતક યુવકો સહિત ચારે પરપ્રાંતીય યુવાનો કારખાનામાં મજૂરી કામ કરતા હતાં.