દ્વારકા જગતમંદિરમાં ઠાકોરજીનો દિવ્ય ગ્રીષ્મ-કાલીન પુષ્પ શૃંગાર: ભક્તોમાં અનેરો ઉત્સાહ
કાળઝાળ ગરમીમાં દ્વારકાધીશને શીતળતા અને આરામનો અનુભવ કરાવવાનાં ભાવે પુજારી દ્વારા વિશેષ આયોજન...
દ્વારકાધીશના જગત મંદિરમાં ગ્રીષ્મ ઋતુનું આગમન થતાં જ ઠાકોરજીના ભવ્ય ગ્રીષ્મકાલીન પુષ્પ શૃંગારના દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાળઝાળ ગરમીમાં ઠાકોરજીને શીતળતા અને આરામનો અનુભવ કરાવવાના ભાવ સાથે મંદિર દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે હાલ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ શૃંગારમાં વિવિધ પ્રકારના સુગંધિત ફૂલો, નાજુક કળીઓ અને હરિયાળી સજાવટનો ઉપયોગ કરીને ભગવાનને અતિ મનમોહક અને શીતળ રૂપ આપવામાં આવી રહ્યું છે. દરરોજ સાંજના સમયે ઠાકોરજીને ઋતુને અનુરૂપ વિશેષ શૃંગાર ધરાવવાની સાથે સાથે ઠંડક આપે તેવા પાનક, તાજા ફળો અને અન્ય પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે.
આગામી બે મહિના સુધી દરરોજ સાંજે ઠાકોરજી આવા દિવ્ય પુષ્પ શૃંગારમાં ભક્તોને દર્શન આપશે. ભગવાનના આ મનોહર અને અલૌકિક શૃંગારના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી રહ્યા છે અને ઠાકોરજીની દિવ્ય ઝાંખી નિહાળી ધન્યતા અનુભવી રહ્યા છે.