રાજકોટમાં ગુજરાત હાઇકોર્ટની બેન્ચ સ્થાપવા જામનગર બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદન
શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ બાઇક રેલી: જામનગર બાર એસો.એ રાજકોટ બાર એસો.ને ટેકો જાહેર કર્યો
જામનગર બાર એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જામનગર બાર એસોસિએશનની જનરલ બોર્ડની મીટિંગ વકીલ મંડળના હોલમાં મળી હતી, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ શરૂ કરવાના લેવાયેલા નિર્ણયને સર્વાનુમતે ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. આજે જામનગર બાર એસો.ના પ્રમુખ ભરત એચ.સુવા, સેક્રેટરી મનોજ એસ.ઝવેરી, સહિતના હોદેદારો દ્વારા કલેકટરને આવેદન પાઠવ્યુ છે તદઉપરાંત શહેરના મુખ્ય માર્ગો ઉપર માંગ માટે બાઇક રેલી કાઢવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં વકીલ મંડળના સભ્યો જોડાયા હતા.
વકીલ મંડળે આવેદનપત્રમાં જણાવ્યું છે કે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા રાજકોટ ખાતે સૌરાષ્ટ્રની હાઇકોર્ટ બેન્ચ કાર્યરત હતી. ભૌગોલિક રીતે રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સાથે પરિવહનથી જોડાયેલું કેન્દ્રસ્થ સ્થાન ધરાવે છે. રાજકોટ ખાતે બેન્ચ સ્થાપવાથી સૌરાષ્ટ્ર-કચ્છના પક્ષકારો અને સામાન્ય નાગરિકોને કેસ માટે અમદાવાદ સુધી જવું નહીં પડે, જેનાથી સમય અને નાણાંની બચત થશે તથા લોકોને ઝડપી, સસ્તો અને સરળ ન્યાય મળી રહેશે.
અન્ય રાજ્યોમાં ગુજરાત કરતા ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ હાઇકોર્ટની બેન્ચો કાર્યરત હોવાનો ઉલ્લેખ કરીને, જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત એસ. સુવા અને સેક્રેટરી મનોજ એસ. ઝવેરી દ્વારા પ્રજાહિતના આ મુદ્દાને ધ્યાને લઈ રાજકોટ ખાતે વહેલી તકે ગુજરાત હાઇકોર્ટની બેન્ચ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.