રાજકોટ શહેરમાં સાયબર અપરાધીઓ દ્વારા નાગરિકોને શિકાર બનાવવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવો જ એક ગંભીર અને ચોંકાવનારો ઓનલાઈન ફ્રોડનો કિસ્સો રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં પેકેજીંગ ફિલ્મ ટ્રેડિંગનો વ્યવસાય કરતા ૩૩ વર્ષીય યુવાન વિમલભાઈ ચનીયારા અજાણ્યા સાયબર ઠગ્સની જાળમાં ફસાઈ ગયા હતા. વાહનની વિગતો દર્શાવતો એક મેસેજ વોટ્સએપ પર મોકલીને ગઠિયાઓએ અજાણી લિંક દ્વારા તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ ૮,૧૨,૫૭૯ ની માતબર રકમ ઓનલાઈન ઉપાડી લીધી હતી. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
વિદેશી નંબર પરથી આવ્યો હતો મેસેજ
પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર ફરીયાદી વિમલભાઈ રમેશભાઈ ચનીયારાએ જણાવ્યું હતું કે ગત ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ તેમના વોટ્સએપ પર એક વિદેશી મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. જ્યારે તેમણે તે મેસેજ ખોલીને જોયો, ત્યારે તેમાં તેમના પોતાના વાહનને લગતી ચોક્કસ માહિતી અને વાહનનો નંબર દર્શાવવામાં આવ્યો હતો. મેસેજમાં વાહનની સાચી વિગતો જોઈને તેમને એવું સ્વાભાવિક અનુમાન થયું કે કદાચ આ મેસેજ વાહન સંબંધિત કોઈ સરકારી કે જરૂરી કામગીરી માટે આવ્યો હશે. આ મેસેજની સાથે જ એક શંકાસ્પદ અજાણી લિંક પણ મોકલવામાં આવી હતી, જે બાબતે તેમની પાસે કોઈ અગાઉથી જાણકારી કે સાવચેતી નહોતી.
લિંક ઓપન કરતાં જ ગઠિયાઓએ ખાતામાંથી લાખો રૂપિયા સેરવી લીધા
મેસેજમાં પોતાની વાહનની માહિતી જોઈને વિમલભાઈએ લિંક મારફતે જરૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેવું માનીને તે લિંક ઓપન કરી હતી. જોકે, લિંક ખોલ્યાની થોડી જ ક્ષણોમાં તેમને અન્ય કોઈ વ્યક્તિનો પર્સનલ ફોન કોલ આવી જતાં તેમણે તે લિંક બંધ કરી દીધી હતી. પરંતુ બીજા જ દિવસે તેમના મોબાઈલ ફોન પર અચાનક ૫૦ થી ૬૦ જેટલા અલગ-અલગ જાહેરાત સંબંધિત ઓટીપી (OTP) મેસેજ આવવા લાગ્યા હતા. થોડી જ વારમાં તેમના બેંક ખાતામાંથી નાણાં ઉપડી ગયા હોવાના મેસેજ પણ આવ્યા હતા.
તપાસ કરતાં ખબર પડી કે તેમની જાણ બહાર યશ બેંકના ખાતામાંથી કુલ રૂ.૪૯,૦૦૦ તથા કોટક મહિન્દ્રા બેન્કમાંથી કુલ રૂ.૫,૬૫,૫૭૯ મળીને કુલ રૂ.૬,૧૪,૫૭૯ જેટલી રકમના અનધિકૃત વ્યવહારો થઈ ગયા છે. આટલું જ નહીં, ત્યારબાદ તપાસ કરતા તેમના ક્રેડિટ કાર્ડમાંથી પણ વધુ રૂ.૧,૯૮,૦૦૦ જેટલી રકમ ઉપડી ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ત્વરિત ફરિયાદ અને પોલીસ તપાસ
પોતાની સાથે મોટો સાયબર ફ્રોડ થયાની જાણ થતાં જ વિમલભાઈએ સમય બગાડ્યા વગર તુરંત જ સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરીને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી હતી અને અરજી નોંધાવી હતી. આ ફ્રોડમાં બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડ મળીને કુલ રૂ.૮,૧૨,૫૭૯ ની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધીને વિદેશી નંબર અને ઓનલાઈન ટ્રાન્જેકશનનું ટ્રેસિંગ કરીને ઠગ ગેંગને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.