દર વર્ષે મકર સંક્રાતિએ પાક્કા દોરાથી પેચ લડાવતા તેમજ રોડ રસ્તા ઉપર પગપાળા તેમજ વાહન લઈને પસાર થતી વખતે દોરીથી હાથ,કાન, નાક ગળા સહિતના ભાગે ઇજા થવાના બનાવ સતત બનતા હોય છે, ત્યારે આ વર્ષે પણ પાકા માંઝાથી હાથની આંગળીઓ, કાન, નાક, ગળામાં છરકા પડવાની સાથે નાની મોટી ઇજા થવાના 40 જેટલા બનાવ બન્યા હતા. જેમાં કીશોરભાઈ (ઉ.વ.૨૦), દિનેશભાઈ વ્યાસ (ઉ.વ.૪૯), હર્ષ હેમતભાઇ (ઉ.વ.૨૦), નિલેષભાઈ સોલંકી(ઉ.વ.૩૦), નિજલાબન (ઉ.વ.૨૪), યોગરાજ નિર્મલભાઈ (ઉ.વ.૨૨), વિજયભાઇ (ઉ.વ.૪૪), જયદીપ હિતેષભાઇ (ઉ.વ.૧૨), રહીશ શાદીકઅલી (ઉ.વ.૨), કમલેશભાઈ ઝાપડા (ઉ.વ.૨૬), યજ્ઞેશ રાજપરા (ઉ.વ.૨૫), આસીફભાઈ જાંબુડીયા (ઉ.વ.૫૦), નસીમબેન આસીમભાઈ જાંબુડીયા (ઉ.વ.૪૫), રયાઝ મોહમદભાઈ (ઉ.વ.૧૪), રાહુલ અડવાણી (ઉ.વ.૨૮),અનીતાબેન લક્ષમણભાઇ (ઉ.વ.૪૦), મહેશભાઈ રાજાભાઈ ગાંગાણી (ઉ.વ.૩૦), વિજયભાઈ પરસાણા (ઉ.વ.૩૮) સહીતના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તમામ ઘવાયેલા લોકોને સિવિલ હોસ્પિટલમા સારવાર આપવામાં આવી હતી. મકર સંક્રાતિએ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ સતત ધમધમતો રહ્યો હતો તેમજ મીની ઓપરેશન થિયેટરમાં ઇજાગ્રસ્તોને ટાકા લેવા સહિતની સારવાર આપવામાં આવી હતી. ઇમરજન્સી તેમજ મીની ઓટી વિભાગમ તબીબો અને નર્સીંગ સ્ટાફ ખડેપગે રહ્યા હતા. તેમજ બનાવોને લઈને 108 સતત દોડતી રહી હતી.
પતંગ ચગાવી અગાશીએથી ઉતરી વખતે પટકાતા યુવકનું મોત
મકરસંક્રાતિનો તહેવારમાં ક્યાં ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો છે. બાળકોથી લઈ મોટેરાઓને અગાસીએથી પટકાતા નાની મોટી ઇજા થવાની સાથે મૃત્યુના બનાવ પણ બન્યા છે. પડધરીના સાલ પીપળીયા ગામે પતંગ ચગાવી અગાશીએથી નીચે ઉતરતી વખતે પડી જતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું.
સાલ પીપળીયા ગામે રહેતો વિનોદ લીંબાભાઈ વાહુકીયા (ઉ.વ.26)નો સંક્રાતિએ સાંજે છએક વાગ્યાના અરસામાં પતંગ ચગાવી અગાશીથી નીચે ઉતરતો હતો ત્યારે શરીરનું સમતોલન ગુમાવી દેતા સીડીનું પગથિયું ચૂકાઈ ગયું હતું અને નીચે પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી પ્રથમ પડધરી અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક યુવક મજૂરી કામ કરતો હતો અને બે ભાઈ એક બહેનમાં મોટો હતો. યુવકના મોતથી સંતાનોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે. બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ધાબા અને સીડીએથી પટકાતા બે બાળકો સહીત પાંચને ઇજા
સંક્રાતિએ પતંગ ચગાવવા ધાબા પરથી અને સીડી પરથી પડી જવાના બનાવ પણ નોંધાયા છે, ગોંડલના ખોડિયારનગરમાં રહેતી 11 વર્ષીય નિમીષા ગોપાલભાઈ પરમાર બપોરે ત્રણેક વાગ્યે મકાનના પહેલા માળેથી પડી જતા ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજા બનાવમાં ન્યારીડેમ નજીક આવાસ ક્વાર્ટરમાં રહેતા હાર્દિકભાઈ વાસકલાનો નવ વર્ષનો પુત્ર પ્રિન્સ બપોરે ત્રણેક વાગ્યે સીડી ઉપરથી પડી જતા ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબીના રફળિયા ગામે રમેશભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.40)ના સાંજે પાંચેક વાગ્યે જાંબુડિયા ગમે છત ઉપર પતંગ ચગાવતી વખતે ધ્યાન ન રહેતા નીચે પટકાતા ઇજા થઇ હતી. તેમને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. ચોથા બનાવમાં માલિયાસણ ગામે રહેતા ધર્મેશભાઈ પ્રવીણભાઈ ચાવડા (ઉ.વ.33)ના રાત્રીના દશેક વાગ્યે સીડીએથી ઉતરતી વખતે નીચે પટકાતા ઈજાઓ થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર આપવામાં આવી હતી.