BREAKING NEWS

વેરાવળમાં આખું કોમ્પલેક્સ ભડકે બળ્યું, ભીષણ આગમાં 40 દુકાનો સળગીને ખાક, વેપારીઓમાં અફરાતફરી મચી, ફાયર NOC ન હોવાનું સામે આવ્યું

  • February 05, 2026 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેરાવળ–જૂનાગઢ બાયપાસ રોડ પર આવેલા મુરલીધર કોમ્પ્લેક્સમાં આજે સવારે લાગેલી ભીષણ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ આગની ઘટનામાં કોમ્પ્લેક્સની અંદાજે 40 જેટલી દુકાનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિક વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. સદનસીબે, સમયસર સાવચેતી અને સ્થળ ખાલી કરવાના પગલાંને કારણે કોઈ જાનહાનિ થવાની ઘટના બની નથી, જે રાહતની વાત છે.


મળતી માહિતી મુજબ, આજે સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ મુરલીધર કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક ડીઝલ પંપ સર્વિસની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શરૂઆતમાં નાની લાગતી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ અને સમગ્ર કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલી ચાર મોટરસાયકલ અને એક કાર પણ આગની લપેટમાં આવીને બળીને રાખ થઈ ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.


ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બે ફાયર ફાઇટર વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ગંભીરતા જોતા આસપાસની ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ પાણી અને સાધનોની મદદ લેવામાં આવી હતી. કુલ પાંચ ફાયર ફાઈટરોની ટીમોએ સતત એક કલાક સુધી ભારે મહેનત કરીને પાણીનો મારો ચલાવ્યો હતો, ત્યારબાદ મહામુસીબતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ બુઝાવાની કામગીરી દરમિયાન ફાયર કર્મચારીઓએ જોખમ વચ્ચે રહીને કામગીરી કરી હતી.


આ ઘટનામાં એક ગંભીર બાબત સામે આવી છે કે મુરલીધર કોમ્પ્લેક્સ પાસે ફાયર સેફ્ટી માટે જરૂરી ફાયર NOC નહોતું. ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અગાઉ પણ કોમ્પ્લેક્સના સંચાલકોને ફાયર NOC અને સુરક્ષા વ્યવસ્થાઓ બાબતે નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં નિયમોની અવગણના કરવામાં આવી હતી. આ બેદરકારીને કારણે આગ વધુ ફેલાવાની શક્યતા વધી હોવાનું માનવામાં આવે છે.


આગની ઘટનાની જાણ થતાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર તેમજ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કલેક્ટરે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ નગરપાલિકા અને ફાયર વિભાગ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application