આજે રાજકોટમાં લોકશાહીના પર્વની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ ખાતે રહેતા ૮૫ વર્ષના જયાબેન ઠકરારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
આંગળી પર શાહીનું ટપકું અંકિત કરાવ્યા બાદ જયાબેને હૃદયસ્પર્શી વાત કરી. તેમણે કહ્યું કે, આપણે રક્તદાન અને અંગદાન કરીએ છીએ જે જીવન બચાવે છે, પણ લોકશાહીમાં મતદાનનું પણ ઘણું મહત્વ છે. તેથી આપણે સૌએ જરૂર મતદાન કરવું જોઈએ. જયાબાએ જે રીતે પોતાની ફરજ બજાવી છે, તે યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારથી જ રાજકોટના વિવિધ મતદાન મથકો ઉપર મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરતા જોવા મળ્યા હતા. સવારથી જ મતદાન કેન્દ્રો બહાર મતદારોની કતાર લાગી હતી, જેમાં વડીલોની સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
યુવા મતદાર હેપીબેન કાચા પણ પંડિત દીનદયાળજી પ્રાથમિક શાળા ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, મતદાન એ દેશના નાગરિક તરીકે આપણી પવિત્ર ફરજ છે. રાજકોટના દરેક યુવા મતદારોએ ઘરની બહાર નીકળી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.