BREAKING NEWS

પાક નિષ્ફળ જતા સૌરાષ્ટ્રમાં 42 વર્ષના ખેડૂતનો આપઘાત, આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી લીધી, પરિવાર માથે આભ ફાટ્યું

  • November 17, 2025 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળી પછી કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. મોઢે આવેલો કોળિયો છિનવાઈ જતા જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા પોતાની જિંદગીનો અંત આણ્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાથી સૌરાષ્ટ્રભરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 


કમોસમી વરસાદથી ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું

​મળતી માહિતી મુજબ, જુનાગઢના વિસાવદર તાલુકાના ઇશ્વરિયા ગામે 42 વર્ષીય શૈલેષ દેવજીભાઈ સાવલીયાએ આ વર્ષે પોતાની સવા દસ વીઘા જમીનમાં મગફળી, ડુંગળી અને તુવેરના પાકનું વાવેતર કર્યું હતું. જે તૈયાર થઈ ગયો હતો. જોકે, કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતા શૈલેષભાઈ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા અને ઝેરી દવા પી જિંદગીનો અંત આણી દીધો હતો. તેમના આ અંતિમ પગલાથી તેમની પત્ની અને 11 વર્ષનો દીકરો અને એક 16 વર્ષની દીકરી નિરાધાર બન્યા છે. 


પરિવારના ગુજરાનનો એકમાત્ર આધાર જમીન

મૃતક શૈલેષભાઈને સવા દસ વીઘા જેટલી જમીન હતી, જે તેમના પરિવારના ગુજરાનનો એકમાત્ર આધાર હતી. તેને ચાલુ વર્ષે પોતાની આ જમીનમાં મગફળી, ડુંગળી અને તુવેર જેવા મહત્ત્વના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ કાપણીના સમયે જ કમોસમી વરસાદ તૂટી પડતા, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. શૈલેષ સાવલિયાએ વાવેલા ત્રણેય પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા તેમને પારાવાર નુકસાન થયું હતું. પાક નિષ્ફળ જવાથી શૈલેષ સાવલિયા ગંભીર આર્થિક સંકળામણમાં ઘેરાઈ ગયા હતા. પરિવારનું ભરણપોષણ અને દેવું ચૂકવવાની ચિંતાના કારણે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ થાય છે.


આખા પંથકમાં શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું 

ખેડૂતના આત્મઘાતી પગલાની માહિતી મળતા જ વિસાવદર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે મૃતક શૈલેષભાઈના ભાઈ પ્રફુલભાઈએ જણાવ્યા મુજબ શૈલેષભાઈ આર્થિક સંકડામણના કારણે પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા આત્મહત્યા કર્યાનું પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શૈલેષ સાવલિયાના આત્મહત્યાના પગલાથી આખા પંથકમાં શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application