BREAKING NEWS

બુટલેગરનો કિમીયો જોઈ પોલીસ પણ ચકરાવે ચડી, બોલેરોના દરવાજા નીચે ચોરખાનું બનાવી સંતાડી દારૂની 422 બોટલ

  • January 18, 2026 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આટકોટ નજીક ગોંડલ ચોકડી પાસે પોલીસે એક બોલેરો કારમાંથી ગુપ્ત ખાનામાં સંતાડેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં મધ્યપ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.


આટકોટ નજીક ગોંડલ ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવી હતી

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન અને સૂચના મુજબ LCB દ્વારા જિલ્લામાં સતત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન LCB ઇન્સ્પેક્ટર વી.વી. ઓડેદરા અને તેમની ટીમને બાતમી મળી હતી કે આટકોટ વિસ્તારમાંથી એક બોલેરો કાર મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. મળેલી માહિતીના આધારે ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી બોલેરો કાર નંબર GJ-03-FK-1644 ને અટકાવી તપાસ કરવામાં આવી હતી.


પોલીસ પણ ચકરાવે ચડી ગઈ 

તપાસ દરમિયાન પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી, કારણ કે બોલેરોના દરવાજાની નીચે ખાસ રીતે તૈયાર કરાયેલા ચોરખાનામાંથી 180 એમ.એલ.ની વિદેશી દારૂની કુલ 422 બોટલો મળી આવી હતી. બુટલેગરોએ ગજબની કિમિયાગરીથી ગુપ્ત ખાનું બનાવી દારૂ સંતાડ્યો હોવાનું સામે આવ્યું છે.


મધ્યપ્રદેશના ચાર શખ્સોની ધરપકડ

પોલીસે આ મામલે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના લાલા બગેલ, દીપુ અખાડિયા, મુકેશ બામણીયા અને ઇક્રમ અવાસીયાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દારૂ ઉપરાંત મહિન્દ્રા બોલેરો કાર, ચાર મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવી છે.


6,61,408 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 6,61,408 થાય છે, જેમાં દારૂની કિંમત રૂપિયા 1,11,408 અને બોલેરોની કિંમત રૂપિયા 5 લાખ આંકવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે આટકોટ પોલીસને સોંપ્યો છે. રાજકોટ ગ્રામ્ય LCBની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News