દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં આજે એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણથી ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. જૂની અદાવતને લઈને શરૂ થયેલી બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ હતી અને બાદમાં મામલો હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો હતો. જૂથ અથડામણમાં અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. આ ઘટનામાં કુલ પાંચ રાઉન્ડ ફાયરિંગ થયાનું જાણવા મળ્યું છે.
આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ગોળી વાગી હતી, જેમાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ડીવાયએસપી સહિત LCB, SOG અને ડિવિઝન પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલુ છે. ઘટનાના કારણે વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને સ્થાનિક લોકો ઘરમાં પૂરાઈ ગયા હતા.
પોલીસે પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને આ અથડામણનું મુખ્ય કારણ ગણાવ્યું છે. ફાયરિંગ કરનાર આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હોવાની પણ માહિતી મળી છે. દાહોદ પોલીસે લોકોમાં શાંતિ જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. અધિકારીઓએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપવા અપીલ કરી છે. સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application