BREAKING NEWS

જૂના વાહન સ્ક્રેપ કરવા પર મોટર વ્હીકલ ટેક્સમાં મળશે 50% ટકા રાહત: ગુજરાત સરકારનો મોટો નિર્ણય

  • October 02, 2026 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા વાહન સ્ક્રેપ પોલિસીને મળેલા નબળા પ્રતિસાદ બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ભારત સ્ટેજ (બીએસ-વન) અને તેનાથી જૂના તેમજ બીએસ-ટુના વાહનોને અધિકૃત રીતે સ્ક્રેપ કરવા પર નવા વાહનોની નોંધણી વખતે મોટર વ્હીકલ ટેક્સમાં ૫૦ ટકા સુધીની રાહત આપવામાં આવશે. આ ટેક્સ કન્વેશનનો લાભ મેળવવા માટે ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી જારી કરાયેલા સંબંધિત 'સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટ' ને ધ્યાનમાં લેવામાં આવશે.

ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોની સંખ્યા બે કરોડથી વધારે છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં ૪૧.૨૦ લાખ વાહનો ૧૫ વર્ષ કે તેથી વધારે જૂના હતા. જોકે, બીએસ-વન અને બીએસ-ટુ વાહનોની અલગ-અલગ સત્તાવાર સંખ્યા ઉપલબ્ધ નથી. આ નવી જોગવાઈ હેઠળ બીએસ-વન (જે અંદાજે વર્ષ ૨૦૦૦થી લાગુ છે) અને બીએસ-ટુ (જે વર્ષ ૨૦૦૫થી લાગુ છે) ધોરણના વાહનોને આવરી લેવાયા છે, જેમાં મુખ્યત્વે મીડિયમ-હેવી ગૂડ્સ અને પેસેન્જર વ્હીકલ્સનો સમાવેશ થાય છે.

નવા વાહનની ખરીદી પર નાગરિકોને કેવી રીતે લાભ મળશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. ધારો કે નવી કારની કિંમત રૂપિયા ૧૦ લાખ હોય અને તેના પર ૨.૭૫ ટકા લેખે અંદાજે રૂપિયા ૨૭,૫૦૦ વાહન વેરો લાગુ પડતો હોય, તો પાત્ર જૂનું વાહન સ્ક્રેપ કરવા બદલ મળતી ૫૦ ટકા રાહત બાદ આ રકમ ઘટીને રૂપિયા ૧૩,૭૫૦ થઈ શકે છે. ગુજરાતમાં ખાનગી વાહનો માટે લાઇફટાઇમ ટેક્સ સામાન્ય રીતે વાહનની મૂળ કિંમતના ટકાવારી આધારે વસૂલાય છે.

આ નિર્ણયની સૌથી મહત્વની બાબત 'સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટ' છે. પાત્ર જૂનું વાહન અધિકૃત રીતે સ્ક્રેપ કરાવ્યા બાદ મળતું આ સર્ટિફિકેટ નવા વાહનોની નોંધણી વખતે રજૂ કરવાનું રહેશે, જેના આધારે નિયમો મુજબ મોટર વ્હીકલ ટેક્સમાં કન્વેશનનો લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો સંબંધિત સ્ક્રેપ વાહન સામે અગાઉથી સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટના આધારે ટેક્સ કન્વેશનનો લાભ અપાયો હોય, તો તે જ વાહન સામે ફરીથી આ જોગવાઈ હેઠળ કન્વેશન મેળવી શકાશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application