અરબી સમુદ્રમાંથી ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના સંયુક્ત ઓપરેશન દરમિયાન ઝડપાયેલી ૩,૦૦૦ કરોડ રૂપિયાના ૫૨૬ કિલો ડ્રગ્સની હેરાફેરી કરતી પાકિસ્તાની બોટ 'આઝાદ'ને આજે વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત નારગોલ જેટી કિનારે લાવવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બોટને દરિયાકિનારે સુરક્ષિત રીતે ઉપર ચઢાવીને એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને તેના મુખ્ય સૂત્રધારોની માહિતી મેળવવા માટે કોર્ટમાંથી તમામ આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, પચ્ચીસ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અરબ સાગરમાં પશ્ચિમ લક્ષદ્વીપ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી આ શંકાસ્પદ બોટને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન 'આઝાદ' નામની આ પાકિસ્તાની બોટમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં ૩,૦૦૦ કરોડ રૂપિયાની કિંમતનો જંગી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ સફળ ઓપરેશન દરમિયાન બોટમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકો મોહમ્મદ યાકુબ બલોચી, શાકિરુલ્લાહ, ફરીદુલ્લાહ, અહેમદ ખાન અને વાહીદુલ્લાહ ખાનની ધરપકડ કરવામાં આવી હતી.
સુરક્ષા અને આગળની કાનૂની કાર્યવાહીના ભાગરૂપે આ બોટને ઉમરગામના દરિયાકિનારે લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વહેલી સવારે દરિયામાં ભરતીના સમયે નારગોલ મરીન પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને આ બોટને નારગોલ જેટી કિનારે લાવીને લંગારવામાં આવી છે. હાલ મરીન પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવી દીધી છે અને બોટની ટેકનિકલ તપાસ હાથ ધરી છે.