જામનગરમાં એસીબી (ACB)એ રૂ. 8 લાખની લાંચ લેતા અમદાવાદના ઓડિટ અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર અમરચંદ સાવરીયા (ઉંમર 44)ને જામનગર-રાજકોટ હાઇવે પર ત્રીમંદિર જવાના સાઇનબોર્ડ પાસે, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં તેની કારમાંથી લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.
ફરિયાદીના મેનેજિંગ ડિરેક્ટરે વર્ષ 2024-25માં ભરેલા ઇન્કમટેક્સ રિટર્ન અંગેની ક્વેરીનું નિરાકરણ થઈ ગયું હતું. આ બંધ થયેલા એસેસમેન્ટ ઓડિટને ફરી ન ખોલવાના બદલામાં આરોપીએ ફરિયાદી પાસે રૂ. 8 લાખની લાંચ માંગી હતી.
લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન આરોપીએ રૂ. 8 લાખની લાંચ સ્વીકારતા જ ACBએ તેને ઝડપી લીધો હતો અને લાંચની સંપૂર્ણ રૂ. 8 લાખની રકમ રિકવર કરી હતી.
આ ટ્રેપ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ તથા જામનગર ACB સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ACB એકમના અધિકારીઓ અને સ્ટાફે પણ કાર્યવાહીમાં મદદ કરી હતી. સમગ્ર કાર્યવાહી મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ તથા નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.