BREAKING NEWS

રાજકોટ મનપાની ગત ચૂંટણીમાં થયું હતું 50% મતદાન, આ વખતે ઘટે તેવી શક્યતા, જાણો તેની પાછળના કારણો

  • April 20, 2026 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણીમાં ઉનાળાની કાળઝાળ ગરમી, સ્કૂલ વેકેશન, પ્રચાર-પ્રસાર માટે ઓછો સમયગાળો અને નવા ઉમેદવારોને કારણે મતદારોમાં આકર્ષણના અભાવ સહિતના કારણોસર ગત વર્ષ કરતા મતદાન ઘટે તેવી પુરી શક્યતા હોય વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અને ઉમેદવારોની દોડધામ વધી ગઇ હોવાનું જાણવા મળે છે.


રાજકોટમાં હાલ બપોરે ૧૨ વાગ્યાથી જ ધોમ ધખતો તાપ વરસતો હોય સવારે ૧૦થી ૧૨ વાગ્યા સુધી માંડ બે કલાક લોકસંપર્ક અને પદયાત્રા વિગેરે થઇ શકે છે. ઉમેદવારો તો સવારે નવ વાગ્યાને બદલે આઠ વાગ્યાથી પદયાત્રામાં જવા થનગની રહ્યા હોય છે પરંતુ જો નવ વાગ્યાથી વ્હેલા ડોર ટુ ડોર લોકસંપર્કમાં નીકળે તો લોકો રોજિંદા નિત્યક્રમમાં વ્યસ્ત હોય આવકાર મળે નહીં તેથી નવ વાગ્યા પહેલા સંપર્ક શરૂ થઇ શકતો નથી. જ્યારે સાંજે પાંચ વાગ્યા સુધી આકરો તાપ રહેતો હોય સાંજે પાંચથી સાત બે કલાક માંડ લોકસંપર્ક થઈ શકે છે. આ ઉપરાંત તમામ વોર્ડના વિસ્તારો એટલા વિશાળ અને પ્રચારના દિવસો એટલા ઓછા છે કે દરેક વિસ્તાર કે સોસાયટીમાં પહોંચી શકાય તેવા પણ સંજોગો નથી. ઉમેદવારો પ્રચાર મામલે સોશ્યલ મીડિયાને જ તારણહાર માની રહ્યા છે અને તેના માધ્યમથી લોકો સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે.


આ ઉપરાંત શહેરની અનેક શાળાઓમાં વેકેશન જાહેર થઈ ચૂક્યું છે અને અમુકમાં ચાલુ સપ્તાહથી થશે. આથી હાલથી જ શહેરીજનો વેકેશન ટૂરમાં સહપરિવાર જવા માટે એસટી બસો, રેલવે અને ફલાઈટના એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. આથી જે લોકો શહેરમાં ઉપલબ્ધ જ નહીં હોય તેમના મતદાનનો તો સવાલ જ ઉપસ્થિત થતો નથી. મતદારોમાં ઉમેદવારોના નામનું પણ એક આકર્ષણ હોય છે, મતદાર માટે હંમેશા એ મહત્વનું હોય છે કે તે કોના માટે અને કઇ વ્યક્તિને મત આપી રહ્યો છે. આ વખતે દરેક રાજકીય પક્ષોના મોટાભાગના ઉમેદવારો નવા છે જેના નામનું લોકોમાં કોઇ આકર્ષણ નથી તેવા કારણોસર પણ અમુક અંશે મતદાન ઘટશે.

રાજકોટ મહાપાલિકાની ગત ચૂંટણીમાં પચાસ ટકા મતદાન થયું હતું, આ વખતે તેનાથી ઘટે તેવી સ્પષ્ટ સ્થિતિ છે. જો મતદાન વધે તો જ ભાજપને ફાયદો થાય, મતદાન ઘટે તેનો ફાયદો કોંગ્રેસને થાય. જ્યારે આમ આદમી પાર્ટી માટે તો વકરો એટલો નફો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application