સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ શહેરમાં ભાજપના પ્રચાર માટે આવ્યા છે. શહેરના ત્રિકોણબાગથી તેમના રોડ-શોનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો જોડાયા છે.
આ રોડ શો ઘી કાંટા રોડ, કંસારા બજાર, સોની બજારના ઢાળીયાથી માંડવી ચોક, પેલેસ રોડ સ્વામીનારાયણ મંદિર, દિવાનપરા પોલીસ ચોકી પાસેથી મામા સાહેબ મંદિર સુધી જશે.
આ રોડ શોનું સંકલન અને વ્યવસ્થા નિતીનભાઈ ભારદ્ધાજ દેવાંગભાઈ માંકડ અને દિનેશભાઈ કારીયા સંભાળી રહ્યા છે. આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના શહેર મહિલા મોરચાના બહેનો સાથે મહિલા કાર્યકર્તાઓ કેસરી રંગના ડ્રેસ કોડમાં બહોળી સંખ્યામાં જોડાયા છે.
આ તકે યુવા મોરચા, કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કેસરી રંગના સાફા અને ટોપી સાથે અને ભારતીય જનતા પાર્ટીના ઝંડા સાથે ઉપસ્થિત રહી સમગ્ર રોડ શોને કેસરીયા રંગે રંગી દીધો છે. આ રોડ શોનું મુખ્ય આકર્ષણ નાસિક ઢોલ, શણગારેલી છત્રી સાથે પરંપારિક વેશ ભુષા સાથે યુવાનો છે.
ત્યારબાદ સાંજે ૭.૩૦ કલાકે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની આગેવાનીમાં સયાજી હોટલ ખાતે પ્રબુધ્ધ નાગરિકો અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ તથા ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું સંકલન રાજકોટ શહેર પૂર્વ ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા કરી રહ્યા છે. ત્યારબાદ ક્રમશ:રાજકોટ શહેરની ચારેય વિધાનસભાના અલગ અલગ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ હાલમાં ચાલી રહેલ, રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી પ્રચાર પ્રસારની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરશે અને વોર્ડના મુખ્ય આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વિચાર વિમર્શ કરશે.