દેશના સામાન્ય નાગરિકો અને અર્થતંત્રને મોંઘવારીના મોરચે મોટો બેવડો ફટકો પડ્યો છે. અગાઉ 12 નવેમ્બરના રોજ છૂટક ફુગાવાના આંકડા જાહેર થયા હતા, જે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નક્કી કરાયેલી 6% ની મહત્તમ મર્યાદાને વટાવી ગયા હતા. ત્યારબાદ હવે આજે 16 નવેમ્બર, સોમવારના રોજ જાહેર થયેલા જથ્થાબંધ ફુગાવાના (WPI) આંકડાઓએ પણ ચિંતા વધારી દીધી છે. જથ્થાબંધ મોંઘવારી દર વધીને 12.29% ની સપાટીએ પહોંચી ગયો છે, જે અગાઉ 11.39% હતો. જથ્થાબંધ અને છૂટક બંને સ્તરે વધતી મોંઘવારીના કારણે આગામી ડિસેમ્બર મહિનામાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થવાની અપેક્ષાઓને મોટો ઝટકો લાગ્યો છે.
આંકડા મંત્રાલય (MoSPI) દ્વારા જારી કરાયેલા ડેટા મુજબ, ઓક્ટોબર મહિનામાં છૂટક ફુગાવો સતત 12મા મહિને વધીને 6.09% નોંધાયો છે. છેલ્લા બે વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે છૂટક ફુગાવો RBI ના 2% થી 6% ના નિર્ધારિત દાયરાની બહાર નીકળી ગયો હોય. ખાસ કરીને ખાદ્ય પદાર્થોના આસમાને પહોંચેલા ભાવોને કારણે ખાદ્ય ફુગાવો (CFPI) 7.74% થી સીધો વધીને 8.94% પર પહોંચી ગયો છે, જેની સીધી અસર સામાન્ય પરિવારોના રસોડાના બજેટ પર પડી રહી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કામચલાઉ આંકડાઓ પર નજર કરીએ તો, ઓક્ટોબરમાં તમામ ચીજવસ્તુઓ માટે જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) 113.3 રહ્યો હતો, જે સપ્ટેમ્બરમાં 112.5 હતો. વિવિધ શ્રેણીઓની વાત કરીએ તો, ઇંધણ અને વીજળી ક્ષેત્રમાં મોંઘવારી સૌથી ઝડપથી વધી છે; ઓક્ટોબરમાં આ શ્રેણીનો ફુગાવો 25.85% થી વધીને 32.84% પર પહોંચી ગયો છે. તેવી જ રીતે, પ્રાથમિક વસ્તુઓમાં ફુગાવો સપ્ટેમ્બરના 8.67% થી વધીને 9.24% થયો છે. જોકે, ઉત્પાદિત ઉત્પાદનોમાં ફુગાવો 9.76% થી થોડો ઘટીને 9.54% પર આવ્યો છે. ઓક્ટોબરમાં પ્રાથમિક વસ્તુઓ, ઇંધણ-વીજળી અને ઉત્પાદિત ઉત્પાદનોના સૂચકાંકો અનુક્રમે 120.6, 115.7 અને 110.2 નોંધાયા છે.
જથ્થાબંધ મોંઘવારીમાં થયેલા આ અચાનક ઉછાળા પાછળના કારણો સ્પષ્ટ કરતા સરકારે જણાવ્યું છે કે ઓક્ટોબર 2026માં ફુગાવો 12.29% પર પહોંચવા પાછળ મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલ, ખનિજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને વીજળીના વધેલા ભાવ જવાબદાર છે. આ ઉપરાંત ખાદ્ય વસ્તુઓ, મૂળભૂત ધાતુઓ, રસાયણો, કાપડ તેમજ રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનો મોંઘા થવાથી પણ જથ્થાબંધ બજારમાં ભાવવધારો જોવા મળ્યો છે.
એકંદર જથ્થાબંધ ફુગાવામાં મોટો વધારો થયો હોવા છતાં, જથ્થાબંધ ખાદ્ય ફુગાવા (WPI ફૂડ ઇન્ડેક્સ) મોરચે સામાન્ય રાહત જોવા મળી છે. સરકારી આંકડા મુજબ, WPI ફૂડ ઇન્ડેક્સ આધારિત ફુગાવાનો દર સપ્ટેમ્બર 2026 ના 8.66% થી સામાન્ય ઘટીને ઓક્ટોબરમાં 8.58% થયો છે. ઉલ્લેખનીય છે કે જથ્થાબંધ ભાવ સૂચકાંકની ગણતરીમાં ફૂડ ઇન્ડેક્સનું કુલ વજન 24.38% એટલે કે આશરે 25 ટકા જેટલું હોય છે, જેમાં 15.26% પ્રાથમિક ચીજવસ્તુઓ અને 9.12% ઉત્પાદિત ખાદ્ય ઉત્પાદનોનો હિસ્સો સામેલ છે.