ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના પાણી, વીજળી અને તેના જાળવણી (મેન્ટેનન્સ) ખર્ચને લઈને ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે છેલ્લા 30 વર્ષથી ચાલી રહેલો નાણાકીય વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર સ્થિત એકતાનગર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આ અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ ઐતિહાસિક ઉકેલથી આગામી સમયમાં ગુજરાતની પાણીની અછત કાયમી ધોરણે દૂર થવાનો માર્ગ મોકળો બન્યો છે.
ચારેય રાજ્યો વચ્ચે ખર્ચ અને લેણાંનો હિસાબ ક્લિયર
વડાપ્રધાનના વિશેષ નિર્દેશ અને કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ દાયકાઓ જૂની મડાગાંઠ ઉકેલાઈ છે. ચારેય રાજ્યોના પરસ્પર ખર્ચ અને લેણાં પર વાર્ષિક 6 ટકા લેખે વ્યાજ ગણીને સમગ્ર નાણાકીય હિસાબ ચોખ્ખો કરવામાં આવ્યો છે, જેના પર તમામ રાજ્યોએ સહમતિ દર્શાવી છે. ખાસ કરીને, મધ્યપ્રદેશે છેલ્લા 10 વર્ષથી બાકી રહેલા મેન્ટેનન્સ અને પ્રોજેક્ટ ખર્ચના નાણાં ચૂકવી દીધા છે. આ સમજૂતી બાદ હવે દર વર્ષે ગુજરાતને મેન્ટેનન્સની રકમ નિયમિત રીતે મળી રહેશે અને ચારેય રાજ્યો વચ્ચે પાણી કે વીજળી અંગેનો કોઈ પણ વિવાદ બાકી રહ્યો નથી.
આંકડાકીય સ્પષ્ટતા ન થવાથી ચર્ચાના એંધાણ
એક તરફ ચાર રાજ્યો વચ્ચે લાંબો વિવાદ ઉકેલાયાનો દાવો કરવામાં આવ્યો છે અને મધ્યપ્રદેશે બાકી નાણાં ચૂકવ્યાની વાત સામે આવી છે, પરંતુ કેન્દ્રીય જલશક્તિ મંત્રી દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં ગુજરાતને ચોક્કસપણે કેટલા કરોડ રૂપિયા મળવાના છે કે કયા રાજ્યને કેટલા નાણાં ચૂકવવાના બાકી છે, તે અંગે કોઈ ચોક્કસ આંકડાકીય ખુલાસો કરવામાં આવ્યો નથી. નાણાકીય રકમની આ સત્તાવાર સ્પષ્ટતાના અભાવે આગામી દિવસોમાં આ લેણ-દેણના આંકડાઓને લઈને રાજકીય અને સત્તાવાર સ્તરે ચર્ચાઓ જાગી શકે છે, જેની પર સૌની નજર રહેશે.
પાણીની અછત નિવારવા અનોખી ફોર્મ્યુલા નક્કી કરાઈ
હવામાનમાં ફેરફાર, ઓછા વરસાદ અને 'અલ-નીનો' જેવી અસરોને કારણે ગુજરાતમાં ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય તે માટે ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં એક અત્યંત મહત્વનો નિર્ણય લેવાયો છે. આ વ્યવસ્થા મુજબ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ડેમમાંથી વીજળીનું ઉત્પાદન કરવાને બદલે તે પાણી સીધું જ ગુજરાતને પૂરું પાડશે. તેના બદલામાં આ બંને રાજ્યોને વીજળીની કમી ન પડે તે માટે બહારથી વીજળી ખરીદીને આપવામાં આવશે અથવા તેનું આર્થિક વળતર ચૂકવાશે. પાણીના બદલામાં વીજળી કે વળતર આપવાની આ ચોક્કસ ફોર્મ્યુલા ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવશે, જેથી ગુજરાતમાં પાણીની સમસ્યા ક્યારેય ઊભી ન થાય.
એકતાનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ બેઠક
એકતાનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના જલશક્તિ મંત્રાલયના મંત્રીઓ, સ્થાનિક સાંસદ તેમજ ગુજરાતના સંબંધિત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન માત્ર નાણાકીય વિવાદ જ નહીં, પરંતુ 'ડેમ સેફ્ટી એક્ટ', ડેમની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી, નદીઓની સફાઈ અને અન્ય વિવિધ જળ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.