રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મનપાના કમિશનર તુષાર સુમેરા આગામી 10 દિવસ માટે રજા પર ઉતર્યા છે. તેમના આકસ્મિક રજા પર જવાથી વહીવટી કામગીરી પ્રભાવિત ન થાય તે માટે હંગામી ધોરણે રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશને મનપાના કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા આ વધારાનો હવાલો સંભાળીને શહેરી વિકાસ અને દૈનિક કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. આજે ઓફિસ ક્લોઝિંગ અવર્સમાં કલેક્ટર ઓમ પ્રકાશને મ્યુનિ. કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તા.૨૦ નવેમ્બરે જનરલ બોર્ડ મિટિંગ પૂર્વે કાર્યવાહી કરાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
જંગલેશ્વર બિલ કૌભાંડ અને 10 દિવસની રજાને લઈને ચર્ચા-વિચારણા
બીજી તરફ, મનપા કમિશનર તુષાર સુમેરાની આ 10 દિવસની રજાને લઈને રાજકીય અને આંતરિક વર્તુળોમાં અનેક પ્રકારના તર્કવિતર્ક અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ચર્ચાઓનું મુખ્ય કારણ એ છે કે થોડા સમય પહેલા જંગલેશ્વર બિલમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે. દિવાળી પહેલા જ આ રિપોર્ટ તૈયાર થઈ ગયો હોવા છતાંય હજુ સુધી તેમાં સંડોવાયેલા સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
આગામી 20 તારીખે મળનાર જનરલ બોર્ડ પર સૌની નજર
આ સમગ્ર વિવાદ વચ્ચે આગામી 20 તારીખે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળવાનું છે. આ જનરલ બોર્ડની બેઠકમાં જંગલેશ્વર બિલ ભ્રષ્ટાચારનો મુદ્દો સૌથી મોટો અને વિવાદાસ્પદ બની રહેવાની પૂરી સંભાવના છે, જેને લઈને આગામી દિવસોમાં રાજકારણ ગરમાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.