સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિનિસ્ટ્રેટિવ અને નોન ટીચિંગ પ્રકારની ખાલી પડેલી મહત્વની 72 જેટલી જગ્યાઓને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે મંજૂરી આપ્યા પછી હવે જુદા જુદા ભવનમાં ખાલી પડેલી ટીચિગ સ્ટાફની 51 જગ્યા મંજૂર કરી છે.
અગાઉની 72 જગ્યા પર ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ અગાઉ જે જગ્યાઓ મંજુર કરવામાં આવી છે તે 72 જગ્યા પર ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને જુદા જુદા ભવનમાં ખાલી પડેલી પ્રોફેસરો અને એસોસિયેટ પ્રોફેસરોની સરકારે મંજૂર કરેલી 51 જગ્યા પર ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આગામી તારીખ 26 થી શરૂ થશે અને તારીખ 15 જાન્યુઆરી સુધી તે ચાલુ રહેશે.
આ ફેકલ્ટીમાં જગ્યાઓ ભરાશે
પ્રોફેસરો અને એસોસિયેટ પ્રોફેસરોની જે જગ્યાઓ ખાલી છે તેમાં બાયો સાયન્સ ભવન, જર્નાલિઝમ ભવન, સમાજ શાસ્ત્ર ભવન, ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટસ, લો ફેકલ્ટી, ગુજરાતી ભવન, હોમ સાયન્સ ભવન, મેથેમેટિક્સ ભવન, ફાર્મસી ભવન, આંકડાશાસ્ત્ર ભવન અને કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.
26 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા તારીખ 26 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીની નક્કી કરવામાં આવી છે. પરંતુ ઉમેદવારોએ તારીખ 22ના સાંજ સુધીમાં તેમના જરૂરી પ્રમાણપત્રોની હાર્ડ કોપી યુનિવર્સિટીમાં સક્ષમ ઓથોરિટી સમક્ષ રજૂ કરવી પડશે. અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારને રૂપિયા 1,500 અને અનામત કેટેગરીના ઉમેદવારને રૂપિયા 750 અરજી સાથે ભરવા પડશે. પસંદ થનાર ઉમેદવારમાં પ્રોફેસરને લેવલ 14 મુજબ 1,44,200નો અને એસોસિએટ પ્રોફેસરને લેવલ 13 મુજબ 1,31,400નું પગાર ધોરણ આપવામાં આવશે.