લોકશાહીના સજાગ પ્રહરી : જામનગરના ૯૪ વર્ષીય વડીલ ગુલાબદાસ અગ્રાવતે ૮૪ વર્ષીય પત્ની નિર્મળાબેન સાથે મતદાન કરી યુવા મતદારોને પ્રેરણા પૂરી પાડી
જામનગર તા.૨૬, જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે લોકશાહીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે શહેરના ૯૪ વર્ષીય વડીલ ગુલાબદાસ અગ્રાવત અને તેમના ૮૪ વર્ષીય પત્ની નિર્મળાબેન અગ્રાવતે સાથે મળીને મતદાન કરી અન્ય મતદારો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વધતી જતી ઉંમર અને શારીરિક મર્યાદાઓને બાજુએ મૂકી આ વયોવૃદ્ધ દંપતીએ મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહી પ્રત્યેની તેમની આ અતૂટ શ્રદ્ધા જોઈને મતદાન મથક પર હાજર રહેલા અન્ય મતદારો અને ચૂંટણી સ્ટાફ પણ પ્રભાવિત થયો હતો.
અગ્રાવત દંપતીએ મતદાન કર્યા બાદ અન્ય નાગરિકોને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે, મતદાન એ માત્ર હક નથી પરંતુ દેશના નાગરિક તરીકેની પવિત્ર ફરજ છે. જ્યારે શારીરિક રીતે અશક્ત હોવા છતાં વડીલો આટલા ઉત્સાહ સાથે મતદાન કરી શકતા હોય, ત્યારે યુવા પેઢીએ પણ અચૂક મતદાન કરવું જોઈએ.જામનગરના આ વડીલોએ આજે લોકશાહીના સાચા પ્રહરી બનીને સમાજમાં જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો છે.