BREAKING NEWS

જામનગરની સરકારી-ગ્રાન્ટેડ શાળામાં મુખ્ય શિક્ષકની ૫૨% ઘટ, તાલીમથી સવાલ

  • December 22, 2025 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેર-જિલ્લામાં સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં મુખ્ય શિક્ષકોની ૫૨ ટકા ઘટ છે. આ સ્થિતિમાં જે મુખ્ય શિક્ષક છે તેઓની તાલીમથી અનેક સવાલ ઉઠ્યા છે. સરકારી અને ગ્રાન્ટેડ માઘ્યમિક અને પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો કોઇ ને કોઇ કામગીરીમાં જોતરાતા અભ્યાસ ખોરંભે ચડી રહ્યો છે. શહેર-જિલ્લાની શાળાઓમાં કુલ ૩૭૨ માંથી ફકત ૧૭૧ મુખ્ય શિક્ષકની જગ્યા ભરાયેલી છે. જયારે  અધધ..૧૯૬ જગ્યા ખાલી હોય વિધાર્થીઓને પારાવાર હાલાકીનો સામનો કુરી રહ્યા છે. સાથે સાથે શિક્ષકોની ઘટથી વધુ એક વખત આમાં કયાંથી ભણે જામનગર તે સવાલ વધુ એક વખત ઉઠ્યો છે. 


ગુજરાત શૈક્ષણીક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા તા.૧૩ ડીસેમ્બરના જામનગર સહીત રાજયના તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય, શાસનાધીકારી તથા જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીને પ્રાથમિક અને માઘ્યમિક શાળાના મુખ્ય શિક્ષકોની તાલીમ અંગે પરિપત્ર પાઠવ્યો હતો. જેમાં જણાવ્યાનુસાર રાષ્ટીય શિક્ષણ નીતિ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખાનો પરિચય થાય તથા શાળાઓમાં ગુણવતાસભર, સમાવેશી અને બાળકેન્દ્રીત શિક્ષણ પ્રદાન કરવાનો મુખ્ય ઘ્યેય રહેલો છે. આથી શાળા નેતૃત્વની ભૂમિકા મહત્વની બની છે. તદઉપરાંત પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ-૨૦૨૭ ની તૈયારીના ભાગરૂપે શાળા વાઇઝ રોડ મેપ તૈયાર કરવો જરૂરી હોય મુખ્ય શિક્ષકોની વ્યવસાયીક સજજતામાં અભિવૃઘ્ધિ થાય તે હેતુસર રાજયની પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓમાં કાર્યરત મુખ્ય શિક્ષકોની તાલીમનું આયોજન કરાયું છે.


જે અંતર્ગત સરકારી અને ગ્રાન્ટેડ માઘ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનો સમાવેશ થાય છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની એમ.ટી.તાલીમનું આયોજન તા.૨૨ થી ૨૪ ડીસેમ્બર, અને માઘ્યમિક શાળાના મુખ્ય શિક્ષકોની તાલીમ તા.૧ થી ૩ જાન્યુઆરીના કરાયું છે. આ તાલીમનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધીનો રહેશે. તાલીમમાં આવનાર શિક્ષકોને તાલીમના પ્રત્યેક દિવસ ૧૧ થી ૧૨ કલાક દરમ્યાન ઓનએર પ્રસારણ બાયોસેગ ચેનલ અને અન્ય માઘ્યમ તરફથી સીધું જીવંત પ્રસારણમાં જોડાવાનું રહેશે. તાલીમ પૂર્ણ થયા બાદ દૈનીક ૫ કલાક મુજબ તાલીમના દિવસોની સંખ્યા ઘ્યાને લઇ તાલીમની પૂર્ણતાનું પ્રમાણપત્ર આપવાનું રહેેશે. 


પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, જામનગર શહેર-જિલ્લાની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં મુખ્ય શિક્ષકોની ઘટ વચ્ચે તાલીમનું આયોજન કરાતા આમાં કયાંથી ભણે જામનગર તે સવાલ વધુ એક વખત ઉઠ્યો છે. કારણ કે, આ શિક્ષકોની ૫૨ ટકા ઘટ પ્રર્વતી રહી છે. જેમાં ગ્રાન્ટેડ માઘ્યમિક શાળામાં ૮૯ મંજૂર થયેલી જગ્યા પૈકી ૭૫ મુખ્ય શિક્ષકો છે. જયારે ૧૪ જગ્યા ખાલી છે. જયારે સરકારી માઘ્યમિક શાળાઓમાં ૪૩ પૈકી ૩૮ જગ્યા મંજૂર થયેલી છે. જેમાંથી ફકત ૭ જગ્યા ભરાયેલી છે. જયારે પ્રાથમિક શાળાઓમાં ૨૪૦ શિક્ષકોની મંજૂર જગ્યા સામે ૮૯ ભરાયેલી છે. આમ સરકારી માઘ્યમિક શાળાઓમાં ૭, પ્રાથમિક શાળાઓમાં ૧૫૧ અને માઘ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪ જગ્યા ખાલી છે. કુલ ૩૭૨ માંથી  ૧૭૧ જગ્યા ભરાયેલી અને ૧૯૬ મુખ્ય શિક્ષકોની જગ્યા ખાલી છે. ત્યારે શિક્ષકોની ઘટ વચ્ચે વધુ એક વખત મુખ્ય શિક્ષકોની તાલીમના આયોજનથી અનેક સવાલ ઉઠ્યા છે. 


બંને જિલ્લામાં સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ ૧૫૦૬ શિક્ષક...

જીસીઇઆરટી દ્વારા જે પરિપત્ર કરાયો છે તેમાં જામનગર સહીત રાજયના તમામ જિલ્લાના પ્રાથમિક અને માઘ્યમિક શાળાના શિક્ષકોની સંખ્યા દર્શાવામાં આવી છે. જે અનુસાર જામનગર શહેર-જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ૭૧૧ અને માઘ્યમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોની ૧૩૮ સંખ્યા દર્શાવાઇ છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની સંખ્યા ૫૮૬ અને સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં મુખ્ય શિક્ષકની સંખ્યા ૭૧ દર્શાવવામાં આવી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application