BREAKING NEWS

રાજકોટના ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતાં ખળભળાટ, મહંતની ધરપકડ, નાગદેવતાનું મંદિર કહીને મહંત કરતો હતો પ્રચાર

  • November 19, 2025 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાસે ખેતલાઆપા મંદિરમાં ગેરકાયદેસર રખાયેલા એકસાથે 52 સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ વન વિભાગે મંદિરના મહંતની ધરપકડ કરી છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહંત મનુ મણિરામ દૂધરેજિયા નાગદેવતાનું મંદિર કહીને મહંત કરતો પ્રચાર હતો. 100થી વધુ સાપ આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા.


મંદિરની અંદર અલગ અલગ જગ્યાએ સાપ મળી આવ્યા

મળતી માહિતી મુજબ, રાજકોટ ઉત્તર આરએફઓ વિક્રમસિંહ પરમારને બાતમી મળી હતી કે, એક સ્થળે મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે સાપને ગોંધી રાખવામાં આવ્યા છે. જેને લઈને તેઓએ ડીસીએફ યુવરાજસિંહ જાડેજા તથા એસીએફ એસ.ટી. કોટડિયાને માહિતગાર કરતાં ખાસ ટીમની રચના કરાઈ હતી. આરએફઓ પરમાર ઉપરાંત દક્ષિણ આરએફઓ અને વાઈલ્ડ લાઈફ વોર્ડન એચ.બી.મોકરિયાની એમ બે આરએફઓની સંયુક્ત ટીમ બનાવાઈ હતી અને જૂના યાર્ડથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે આવેલા ખેતલાઆપા મંદિરે ટીમ પહોંચી હતી. જ્યાં મહંત મનુ મણિરામ દૂધરેજિયાની પૂછપરછ કરતાં મંદિરની અંદર અલગ અલગ જગ્યાએ સાપ મળી આવ્યા હતા.


તાત્કાલિક સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા

આ સાપ કોમન સેન્ડ બોઆ અને તે પણ શિડ્યુલ-1ના હોવાથી તાત્કાલિક સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા હતા. શિડ્યૂલ-1ના જીવ હોવાથી ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ મહંત સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગીને સાપ ક્યાંથી લાવ્યા તેમજ કોઇ બીજાને આપ્યા છે કે કેમ તે સહિતની પૂછપરછકરવામાં આવશે.


મહંતે નાગનું ઘર કહીને વીડિયો મૂક્યા અને પકડાયા

ખેતલાઆપા મંદિરમાં ઘણા સમયથી આ સાપ રાખવામાં આવ્યા હતા. જોકે ત્યાં વધુમાં વધુ દર્શનાર્થીઓ અને ભાવિકો આવે એટલા માટે મંદિરના મહંત મનુ દૂધરેજિયાએ સોશિયલ મીડિયામાં છવાઈ જવાનો પ્રયાસ કર્યો હતો. નાગનું ઘર અને નાગનું મંદિર તેમજ 100થી વધુ સાપનો આવાસ સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ખૂબ જ વીડિયો બનાવવામાં આવ્યા હતા અને વાઇરલ કરાયા હતા. જેનો આશય વધુમાં વધુ લોકો મંદિરે આવે તેવો હતો. જોકે આ વીડિયો વનવિભાગ સુધી પહોંચી જતા કાર્યવાહી કરાઈ છે.


આ બોઆ સાપ ખરા પણ નાગ ન કહેવાય

આરએફઓ પરમાર જણાવે છે કે, સાપ એ મોટી કેટેગરી ગણાય તેની અંદર પેટે રેલતા સરીસૃપો આવી જાય. પણ જેને પૂજનીય ગણવામાં આવે છે તે નાગની કેટેગરીના સાપ છે. મંદિરમાંથી જે કોમન સેન્ડ બોઆ રેસ્ક્યૂ કરાયા છે તે સાપ ખરા પણ નાગ નહિ. સાદી ભાષામાં તેને અંગોઠિયું કહેવાય છે. આવી જ કેટેગરીમાં આંધળી ચાકળ, અજગર બધા જ આવે. અહીં બોઆને નાગ તરીકે બતાવી પૂજા કરાવાતી હતી. આ સાપ તદ્દન બિનઝેરી હોય છે અને તેને રેતી જેવી જગ્યા મળી જાય એટલે ત્યાં જ પડ્યા રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application