BREAKING NEWS

રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટમાં રૂ.5.78 લાખ કરોડના 5492 MoU થયા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની સત્તાવાર જાહેરાત

  • January 13, 2026 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્રનું ગત સાંજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન કુલ રૂપિયા ૫.૭૮ લાખ કરોડના રોકાણના ૫૪૯૨ સમજૂતિ કરાર થયા હોવાની જાહેરાત કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી હતી.


મારવાડી યુનિ.ખાતે સમાપન સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન આપતા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છને વિકસિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નક્કર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી, ત્યારે તેમને અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમના અડગ વિશ્વાસ અને વિઝનને કારણે આજે ગુજરાત અને ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. મંત્રીશ્રીએ ગૌરવ સાથે ઉમેર્યું હતું કે, વિશ્વભરના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમો જેમને મળવા આતુર હોય છે, તેવા આપણા વડાપ્રધાનની આ રિજનલ કોન્ફરન્સમાં ઉપસ્થિતિ દર્શાવે છે કે તેમના માટે સૌરાષ્ટ્ર અને કચ્છનો વિકાસ કેટલો મહત્વપૂર્ણ છે.


મંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાતના ઐતિહાસિક પ્રવાસ અને સફળતાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન માત્ર રૂ. ૬૬ હજાર કરોડના ૮૦ એમ.ઓ.યુ. થયા હતા, તેની સામે આજે રાજકોટના આંગણે યોજાયેલી આ રિજનલ કોન્ફરન્સમાં જ રૂ.૫.૭૮ લાખ કરોડના ૫૪૯૨ એમ.ઓ.યુ. સંપન્ન થયા છે. આ આંકડાઓ અને અનેક દેશોની સહભાગીતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરનો અતૂટ ભરોસો દર્શાવે છે. આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેઇક ઇન ઇન્ડિયા જેવા આયામો વડાપ્રધાનના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યા છે, જેનો સીધો લાભ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને એકમોને મળશે.


કોન્ફરન્સ દરમિયાન વિવિધ સેક્ટરોમાં થયેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓ ઉદ્યોગો માટે માર્ગદર્શક સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીએ વધુમાં વધુ ઔદ્યોગિક એકમો અને નાગરિકોને આગામી તા.૧૫ જાન્યુઆરી સુધી આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતમાં, તેમણે આશા વ્યક્ત કરી હતી કે જ્યારે ભારત વિશ્વગુરૂના સ્થાને બિરાજશે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ તેના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવશે.


આ તકે રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છની ક્ષમતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરનાર મોટું પ્લેટફોર્મ બની છે. વિવિધ ઐતિહાસિક કિસ્સાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોની નસેનસમાં ઉદ્યોગ સાહસિકતા ભરેલી છે. સૌરાષ્ટ્રના નાવિકો એક સમયે દુનિયાના દરિયા પર રાજ કરતા હતા.


મંત્રીએ સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રની ઔદ્યોગિક વિશેષતાઓનો પરિચય આપતા કહ્યું હતું કે, રાજ્યના દરેક વિસ્તારમાં કોઈને કોઈ કૌશલ્ય ભરેલું છે અને તેમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પોરબંદર, દ્વારકા અને સોમનાથ બેલ્ટ દુનિયાનું સૌથી મોટું પ્રવાસન ક્ષેત્ર બનવા જઈ રહ્યું છે. દેશ અને રાજ્યમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રની પ્રગતિ અંગે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય વર્ષ ૨૦૨૭માં સેમી કન્ડક્ટર ક્ષેત્રનું હબ બનશે. આ તકે તેમણે કચ્છ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ન્યૂ એજ ટેક્નોલોજી ક્ષેત્રમાં રોકાણ કરીને આગળ વધવા આહવાન કર્યું હતું.


ઉદ્યોગ સચિવ મમતા વર્માએ સ્વાગત પ્રવચનમાં સૌરાષ્ટ્ર કચ્છની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવતા કહ્યું હતું કે, છેલ્લાં બે દિવસમાં સ્કેલ અને સ્કીલના સમન્વય સાથે ઉદ્યોગ સાહસિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. બીટુબી, બીટુજી, રિવર્સ બાયર્સ સેલર્સ મિટ, ૫૦થી વધુ સેમિનાર સહિતના આયોજન થકી યુવા પેઢીને પણ નવી દિશા મળી છે.


આ તકે ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપે પ્રેઝન્ટેશનના માધ્યમથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળ યાત્રાની તલસ્પર્શી વિગતો રજૂ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કચ્છ એન્ડ સૌરાષ્ટ્ર એન્કરિંગ ગુજરાત્ઝ વિઝન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉત્તમ પ્રદર્શન કરનારા વિવિધ એમ.એસ.એમ.ઈ.ના ઉદ્યોગકારો, હસ્તકલા કારીગરો, ઉદ્યોગ વિભાગનું પુરસ્કાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે મારવાડી યુનિવર્સિટીના સંચાલકોનું આભાર સાથે બહુમાન કરાયું હતું.


સમાપન સમારોહમાં મુખ્યમંત્રી મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબહેન રંગાણી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, એલ.એન્ડ ટી.ના સી.ઈ.ઓ. સિદ્ધાર્થ ગુપ્તા, જ્યોતિ સી.એન.સી.ના ચેરમેન પરાક્રમસિંહ જાડેજા, મારવાડી યુનિ.ના કો-ફાઉન્ડર જીતુભાઈ ચંદારાણા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ વી.પી.વૈષ્ણવ એન્ડ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઇ ગણાત્રા, અગ્રણી ઉદ્યોગકારો, વેપાર-ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


૨૪ દેશના ૪૦૦૦ ઉદ્યોગ સાહસિકોની વાઈબ્રન્ટમાં ઉપસ્થિતિ: કેતન મારવાડી

રાજકોટની મારવાડી યુનિવર્સિટીના સ્થાપક કેતન મારવાડીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સે સાબિત કર્યું છે કે ભારત આજે વિશ્વમંચ ઉપર નવી ઊંચાઈઓને આંબી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કોન્ફરન્સમાં ૨૪ દેશના પ્રતિનિધિઓ અને ૪૦૦૦ ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિ એ ઐતિહાસિક ઉપલબ્ધિ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application