જામનગરમાં જાહેરમાં કચરો ફેંકતા ૬૦૦થી વધુ દુકાનદાર દંડાયા
જામનગર શહેરમાં કોમર્શિયલ એકમો, દુકાનો અને ધંધાકીય સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવામાં બેદરકારી દાખવનારા તેમજ દુકાન બંધ કર્યા બાદ રાત્રિના સમયે કચરો જાહેરમાં નાંખનારા ધંધાર્થીઓ સામે જામનગર મહાનગરપાલિકા દ્વારા કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ઓગસ્ટ માસમાં શહેરના આશરે ૩૮૫૦ દુકાનદારો, ધંધાર્થીઓ અને કોમર્શિયલ એકમોને ન્યુસન્સ નોટિસ આપી પોતાના ધંધા-દુકાન આસપાસ સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી.
નોટિસ આપવા છતાં કેટલાક દુકાનદારો અને ધંધાર્થીઓ દ્વારા દુકાનનો કચરો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદો અને સ્થળ તપાસ દરમિયાન જણાયું હતું. ખાસ કરીને રાત્રિના સમયે દુકાન કે ધંધો બંધ કર્યા બાદ બહાર કચરો નાંખવામાં આવતો હોવાના કિસ્સાઓમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા વહેલી સવારે સ્થળના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જવાબદારો સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જાહેરમાં ન્યુસન્સ કરવા બદલ ૬૦૦થી વધુ આસામીઓ, દુકાનદારો અને ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ.૫.૫૦ લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ કોમર્શિયલ એકમો, દુકાનદારો અને ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવી છે કે, પોતાના દુકાન-ધંધા તથા કોમર્શિયલ એકમની આસપાસ સ્વચ્છતા જાળવવી, કચરો પોતાના ડસ્ટબીનમાં જ રાખવો અને મહાનગરપાલિકાના ગાર્બેજ કલેકશન વાહનમાં જ કચરાનો નિકાલ કરવો. જાહેરમાં કચરો નાંખી શહેરની સ્વચ્છતા અને જાહેર આરોગ્યને નુકસાન ન પહોંચાડવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.